સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામ રેડામાં મનુજી ઠાકરડાના ઘરે જન્મેલી બીજી દીકરી નિરમા ઠાકરડા, જન્મથી જ આંખોની સમસ્યાથી ઝઝૂમતી હતી. માતા – પિતાને સતત ચિંતા હતી કે તેમની એક દીકરી પ્રજ્ઞાચક્ષુ છે અને તેમનું ઘર પણ કાચું છે, આવી અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમનો પરિવાર જીવી રહ્યો હતો.
પરંતુ, રાષ્ટ્રીય અંધજન મંડળના શિક્ષકોએ સર્વે દરમિયાન નિરમાની જાણ થતા તેને સંસ્થા પર લાવ્યા. ત્યાંના ડૉક્ટરોએ તપાસ કરીને તેને ‘ પ્રજ્ઞાચક્ષુ ’ જાહેર કરતું સર્ટિફિકેટ આપ્યું. આ ઘટના નિરમાના જીવનમાં એક નવો વળાંક લઈને આવી અને તેની શિક્ષણયાત્રા શરૂ થઈ.
નિરમાએ ધોરણ 1 થી 8 સુધી ગામની પ્રાથમિક શાળામાં અને 9 થી 12 ધોરણ સાબલવાડ હાઈસ્કૂલમાં વિશિષ્ટ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. આ માત્ર શૈક્ષણિક પ્રગતિ નહોતી,
પણ નિરમાની અંદર રહેલી અસાધારણ પ્રતિભાને બહાર લાવવાનો માર્ગ પણ હતો. અભ્યાસની સાથે તેણે વિવિધ સ્પર્ધાઓમાં પણ પોતાની કમાલ બતાવી, જેમાં નાટક, ગરબા, રસોઈ સ્પર્ધા તેમજ ખેલ મહાકુંભ જેવી રમત – ગમતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેણે દોડ, ગોળાફેંક અને બરછીફેંકમાં ભાગ લઈને અનેક ઈનામો જીતીને પરિવાર અને ગામનું નામ રોશન કર્યું.
નિરમાની લગ્નગાંઠ નાનપણમાં જ તેની બહેનના દિયર સાથે બાંધી દેવામાં આવી હતી. પણ નિરમા ભણવામાં હોશિયાર હતી અને રમત – ગમત પ્રત્યેની તેની રુચિને સમજીને, પરિવારજનોની સંમતિથી તે લગ્નનો વિચ્છેદ કરવામાં આવ્યો. આ નિર્ણયે નિરમાના જીવનને એક નવી દિશા આપી. ત્યારબાદ તે સંસ્થાની મદદથી અમદાવાદ પહોંચી, જ્યાં તેણે ગુજરાતી વિષય સાથે એમ.એ., બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી.
અમદાવાદમાં રહેતા, નિરમાએ માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ ફૂટબોલ રમતમાં પણ મહારથ હાંસિલ કરી. તેણે સખત મહેનત અને દેઢ નિશ્ચયથી ગુજરાત ટીમમાં સ્થાન મેળવ્યું. તેણે ઇન્ડિયા લેવલ પર ઘણી સિરીઝમાં ભાગ લીધો અને ” ફૂટબોલર ઑફ ધ સિરીઝ ” બની. આ સિદ્ધિઓએ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. ઇંગ્લેન્ડ અને જાપાનમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમતાં, તે ગુજરાત અને ભારતમાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી તરીકે ઇતિહાસ રચી ચૂકી છે.
એક સમય હતો જ્યારે નિરમા તેના માતા – પિતા માટે ચિંતાનું કારણ બની હતી. આજે તે સાબરકાંઠાની બેંક ઓફ ઇન્ડિયા, હિંમતનગર શાખામાં ગૌરવભેર નોકરી કરે છે. 2021 માં પિતાના અવસાન બાદ પણ તેણે હિંમત ન હારી અને આજે પોતાની માતાની જવાબદારી સ્વાભિમાનથી નિભાવે
છે. નિરમા માત્ર એક નામ નથી, પરંતુ સત્ય, સંઘર્ષ અને સફળતાનું પ્રતીક છે. સાબરકાંઠાની આ દીકરી સાચેજ એક ચેમ્પિયન છે, જેણે પોતાના પ્રજ્ઞાચક્ષુ હોવાને ક્યારેય પોતાની મર્યાદા બનવા દીધી નથી.
મહેન્દ્ર પટેલ
124
સાત સુરોની સરિતા અમિતા
“ મારી બંસી માં બે બોલ વગાડી તું જા, મારી વીણા ની વાણી જગાવી તુ જા ’ ’
કવિ સુંદરમ
જીવન એક સંગીત છે જે જીવનના દરેક લયમાં ધબકતું હોય છે. બાળકના જન્મની સાથે જ તેના રડવાની કિલકારીમાં માતા પિતા ને જીવન સંગીતની અનુભૂતિ થઈ જાય છે. કેટલીક વિરલ વ્યક્તિઓ સંગીતના નાદને બ્રહ્મનાદ ગણીને તેની સાધના કરે છે અને સાધના બાદ નીકળતો ગળાનો રણકો સમસ્ત સૃષ્ટિને અનુરંજિત કરી દે છે, એમાંય કોઈનારી પ્રતિભાના ગળા નો રણકાર હોય તો તે વધુ વિસ્મય કારી બને છે આવી જ એક નારી પ્રતિભા વિશે વાત કરવાનો મોકો મળ્યો છે અને તે છે અમિતા દલપતસિંહ ખાટ..
માતા ગીતાબેન અને પિતા દલપતસિંહ ને ત્યાં દીકરી નો જન્મ થાય છે અને માઝમ નદીના તીરે આવેલા કનાલ ગામે એ દીકરી તેનું શૈશવકાળ વિતાવે છે. ઘણીવાર કુદરત પરિવારની કસોટી કરવામાં કસર છોડતી નથી. તેવું જ અમિતાના કિસ્સામાં બન્યુ બાળપણથી જ ખામીયુક્ત દ્રષ્ટિ મળી હતી જે આગળ જતા અંધાપામાં નિર્મિત પામી જો કે અંધત્વનો જે આ પડકાર અમિતાને મળ્યો તેનાથી તેના જીવનમાં દ્રઢ મનોબળ અને સંકલ્પ શક્તિના ગુણો ખીલ્યા. રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખા સાબરકાંઠા નો ઉત્સાહ વર્ધક સહયોગ મળ્યો અને અમિતા શિક્ષણની કેડી કંડારતી ગઈ પોતાના ઘરે રહીને જ સંકલિત શિક્ષણ યોજના નો લાભમેળવીને તે માધ્યમિક કક્ષા સુધી પહોંચી અને આગળ જતા સુરેન્દ્રનગરની અંધ મહિલા વિદ્યા સંકુલમાં અભ્યાસના આગળના તબક્કાઓ સંપન્ન કર્યા. ગુજરાતી વિષયમાં સ્નાતક તેમજ પોતાના મનગમતા વિષય સંગીતમાં પણ સ્નાતક પદવી મેળવી.
સાહિત્ય અને સંગીતના અદભુત મિલનને અમિતાએ સાર્થક કર્યું અને આજના આધુનિક યુગમાં જ્યારે ગળાકાપ સ્પર્ધાઓ ચાલતી હોય ત્યારે તેણે સંગીતમાં પોતાની આગવી પ્રતિભા પ્રસ્થાપિત કરી સુરીલું ગળું અને લયની ચોક્કસ એવી આ અમિતા શ્રોતાગણને આંઝી દે છે. પરિવારની આર્થિક સમૃદ્ધિ ન હોવા છતાં પણ તેના વિકાસના માર્ગમાં આવતા અનેક અવરોધોને તેને પાર કર્યા અને એક ખ્યાતનામ ગાયિકા તરીકે સમાજમાં પ્રભાવક છાપ છોડી હાલમાં અમિતાનો યુવા કાળ ચાલી રહ્યો છે. વિકાસની અનેક સંભાવનાઓ સમાજને તેનામાં દેખાઈરહી છે. લોકગીત સુગમ સંગીત ગરબા સાથે સાથે શાસ્ત્રીય સંગીત વગેરે વિધાઓમાં તેણે આધુનિકતાને ભેળવી છે અને તેની મંઝિલ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે તાજેતરમાં નવરાત્રીને અનુરૂપ કેટલાક ગરબાઓનું ધ્વનિ મુદ્રણ અમદાવાદના આરોહી સ્ટુડિયોમાં કરવામાં આવ્યું છે જે તેની પ્રતિભાની સાબિતી આપે છે. આશા રાખીએ કે તેનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં સહાયભૂત બને અને પસંદ કરેલા સંગીતના ક્ષેત્રમાં ખૂબ નામના મેળવે…
મુકેશ સથવારા
