રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા દ્વારા સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટર


આપણા ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે, ” શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ ” એટલે કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થો સિદ્ધકરવા માટે શરીર એક સાધન છે. જ્યારે શરીર સ્વસ્થ અને સક્ષમ હોય, ત્યારે જ વ્યક્તિ જીવનના દરેક પડકારનો સામનો કરી શકે છે અને પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવી શકે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ દિવ્યાંગતાનો સામનો કરે છે, ત્યારે શારીરિક મર્યાદાઓ તેમના જીવનની ગતિને અવરોધે છે. આવા સંજોગોમાં, રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા દ્વારા ચલાવવામાં આવતું ફિઝિયોથેરાપી સેન્ટર, દિવ્યાંગોના જીવનમાં નવી આશાનું કિરણ બનીને ઉભર્યું છે.

ફિઝિયોથેરાપી માત્ર શારીરિક કસરતોનો સમૂહ નથી, પરંતુ તે એક સર્વગ્રાહી અભિગમ છે જે વ્યક્તિની શારીરિક અને માનસિક ક્ષમતાઓને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. દિવ્યાંગતા ધરાવતા બાળકો અને વ્યક્તિઓ માટે આ ઉપચાર પદ્ધતિ અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને, મગજના લકવા (cerebral palsy) થી પીડિત બાળકો અથવા જેઓ શારીરિક વિકાસની સરખામણીમાં માનસિક વિકાસમાં પાછળ રહી ગયા છે તેમના માટે ફિઝિયોથેરાપી એક વરદાન સમાન છે. આ ઉપરાંત, ચેતાતંતુઓ કે કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો પણ આ ઉપચારથી ઘણો લાભ મેળવી શકે છે. ફિઝિયોથેરાપી દ્વારા તેઓ સ્વતંત્ર રીતે હલનચલન કરી શકે છે અને દૈનિક ક્રિયાઓ માટેઅન્ય પરની નિર્ભરતા ઘટાડી શકે છે.

રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા, દિવ્યાંગોના કલ્યાણ માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. આ સંસ્થાએ લગભગ ૧૯૯૦ થી ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત કરી. શરૂઆતના તબક્કામાં નાના બાળકો અને તેમના માતા – પિતાનું કાઉન્સિલિંગ કરીને ઘરે નિયમિત કસરત કેવી રીતે કરાવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું. આ પ્રયાસોથી ઘણા દિવ્યાંગોને શારીરિક ક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદ મળી અને તેઓ આત્મવિશ્વાસ સાથે પોતાનું જીવન જીવતા થયા.

સંસ્થાએ પોતાના ભંડોળમાંથી જરૂરી સાધનો વસાવ્યા અને વિશિષ્ટ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ સચોટ નિદાન અને સમયબદ્ધ કસરતો પૂરી પાડી. આ સેવાઓથી માતા – પિતા અને દિવ્યાંગ બાળકોને ખૂબ મોટી રાહત મળી. જોકે, કેટલીક સમસ્યાઓને કારણે

28

સંસ્થાનું મકાન બદલવાની ફરજ પડી અને જગ્યાના અભાવે આ કેન્દ્ર થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. પરંતુ આ સમયગાળામાં પણ ઘણા મનોદિવ્યાંગ બાળકોને તેમની રોજીંદી ક્રિયાઓ શીખવીને તેમને પરિવાર પર બોજારૂપ ન બને તેટલી તાલીમ તો ચોક્કસપણે અપાઈચૂકી હતી.

છેલ્લા પાંચ વર્ષથી સંસ્થા પોતાના નવા મકાનમાં ફરીથી આ સેન્ટરને કાર્યરત કર્યું છે. આજે, અહીં નિયમિત કસરત અને જરૂરી વ્યાયામ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓનું શારીરિક અને માનસિક સંતુલન કેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંસ્થાના આ પ્રયાસો દિવ્યાંગ કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ફિઝિયોથેરાપી સેન્ટર એ સંસ્થાની શ્રેષ્ઠ સેવાઓમાંથી એક છે. જ્યારે શરીર કામ ન કરે ત્યારે સામાન્ય માનવી પણ મુસીબત અનુભવે છે, ત્યારે દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ મુસીબત બમણી બની જાય છે. આવા સંજોગોમાં, આ કેન્દ્ર ખૂબ જ ધીરજ અને આત્મવિશ્વાસથી સચોટ તાલીમ અને નિયમિત અભ્યાસ દ્વારા ઘણા બાળકોની

સમસ્યાઓ કાયમી અથવા આંશિક રૂપે હલ કરી રહ્યું છે. આ પ્રયાસોથી સંસ્થા તેમના જીવનમાં નવી આશાનો સંચાર કરવાનું નિમિત્ત બની છે.

સંસ્થાના સ્થાપક શ્રી ભાસ્કરભાઈ મહેતા સાહેબના નેતૃત્વ હેઠળ, છેલ્લા ૪૦ વર્ષથી આ સંસ્થા દિવ્યાંગ ઉત્કર્ષ માટે અવિરત પ્રયત્નો કરી રહી છે. તેઓ હંમેશા જરૂરી અનુદાન પ્રાપ્ત કરીને સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ રહે છે. આજે સંસ્થાના આ માણેક મહોત્સવ પ્રસંગે એ કહેવું અતિશયોક્તિ નથી કે રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠાની સેવા યાત્રાનો એક અજોડ મણકો એટલે અહીંનું ફિઝિયોથેરાપી સેન્ટર આ કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને ફિઝિયોથેરાપિસ્ટ્સનું યોગદાન પણ પ્રશંસાને પાત્ર છે. તેમના સમર્પણ અને મહેનતથી દિવ્યાંગોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. તેઓએ કરેલા સેવાકીય કાર્યને બિરદાવતા આપણે સૌએ આશા રાખવી જોઈએ કે આ કેન્દ્ર હંમેશા દિવ્યાંગોના જીવનમાં આનંદ અને સ્વતંત્રતા લાવવાનું નિમિત્ત બનતું રહે.

શિવાનીબેન પટેલ

 

કૌશલ્યવર્ધન કેન્દ્ર

21 મી સદીમાં સમાજ, સંસ્થા અને તેના લાભાર્થીઓ વચ્ચે સહયોગ અને સંકલનનું એક સુંદર ઉદાહરણ એટલે રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર ખાતે કાર્યરત દિવ્યાંગ વ્યક્તિઓ માટેનું કૌશલ્યવર્ધન કેન્દ્ર. આ કેન્દ્ર દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં આશાનું એક કિરણ બનીને ઊભર્યું છે. સમાજ અને વ્યક્તિ એકબીજાના પૂરક છે. વ્યક્તિ સમાજમાંથી પોતાનું ઘડતર કરે છે અને સમાજને પોતાની સેવાઓથી લાભાનવિત્ત કરે છે. દિવ્યાંગ વ્યક્તિઓના સમાવેશી વિકાસના અભિગમ સાથે, 1985 માં શરૂ થયેલું રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર, દિવ્યાંગ વ્યક્તિઓના સામાજિકીકરણ અને ઉત્તમ વિકાસ માટે અનેક પ્રકલ્પો ચલાવી રહ્યું છે.

દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના પરિવાર સાથે રહીને અધ્યયન સાથે કૌશલ્યની તાલીમ પ્રાપ્ત કરે, તેવા પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે કૌશલ્ય વર્ધન કેન્દ્રની શરૂઆત થઈ. શરૂઆતમાં, અહીં દિવ્યાંગ વ્યક્તિઓને જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે મીણબત્તી, દીવા, પગલૂછણિયા તેમજ નેતરની ખુરશીઓ ભરવાની, સિલાઇ કામની તાલીમ આપવામાં આવતી હતી. સમયના બદલાતા પ્રવાહ સાથે, દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં ઉપયોગી ઉપકરણો બનાવી તેનું વેચાણ કરે તો એમની આર્થિક પરિસ્થિતિ સુધરે એ સમયની માંગ હતી. આ માંગને પહોંચી વળવા માટે, સંસ્થાના દીર્ઘદ્રષ્ટા શ્રી ભાસ્કરભાઈ મહેતાના માર્ગદર્શન નીચે, શ્રી શંકરભાઈ ભોયા સાહેબના અનુભવ તેમજ સરકારશ્રીના વિવિધ પ્રકલ્પોમાંથી આર્થિક સહાય મેળવીને, આ જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર થવા માટે સંસ્થા એક કડીરૂપ બની રહી છે. અત્યાર સુધીમાં, અહીં લગભગ અઢીસો જેટલા દિવ્યાંગ વ્યક્તિઓએ વિવિધ કૌશલ્યોમાં કુશળતા કેળવી સમાજમાં સમર્થ બની પોતાની સહભાગિતા નોંધાવી છે.

સંસ્થા દ્વારા જરૂરી સંસાધનો પૂરા પાડી, સમયસર અનુદાન તેમજ જરૂરી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવી, આ કેન્દ્રને હંમેશાં ધબકતું રાખ્યું છે. અહીંની કન્યાઓ રાખડી બનાવવી તેમજ વિવિધ ડેકોરેટિવ આર્ટિકલ બનાવી ગૃહ શોભન વિશે પણ પોતાનું કૌશલ્ય કેળવી, પોતાના ઘર તેમજ સમાજની અંદર પોતાની એક અનોખી છાપ ઊભી કરી છે. છેલ્લાં 40 વર્ષના સમયમાં, અહીં વિવિધ કૌશલ્યોની સમય અનુસાર તાલીમ, પ્રશિક્ષણ અને પ્રાયોગિક પરીક્ષણો દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની કૌશલ્યની ચકાસણી પણ કરવામાં આવે છે. અહીંથી સજ્જ થયેલા દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં આત્મનિર્ભર બની પોતાનું ગુજરાત ચલાવે છે, જેનો સંસ્થા પરિવારને ખૂબ આનંદ છે.

32

આ કૌશલ્ય વર્ધન કેન્દ્ર માત્ર સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લા સુધી સીમિત ન રહેતા, ગુજરાત જ નહીં પણ રાજસ્થાન જેવા પડોશી રાજ્યના દિવ્યાંગ મિત્રો માટે પણ સહાયભૂત થતું રહ્યું છે. સંસ્થાના સર્વે દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી સ્વનિર્ભર થઈ સમાજમાં પોતાનું સ્થાન માનભેર ઊભું કરે તથા પરિવારનો એક ટેકો બની રહે, એ આ કૌશલ્ય વર્ધન કેન્દ્રનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય છે. અત્યાર સુધીમાં, વિવિધ કૌશલ્ય તાલીમ, પ્રશિક્ષણ, પ્રાયોગિક ઉપકરણો તથા પ્રાયોગિક પરિસ્થિતિઓનું નિર્માણ કરી, દિવ્યાંગ બાળકોના તથા દિવ્યાંગ વડીલોના જીવનમાં પણ એક અનેરો ઉત્સાહ જીવંત કરવાનું કાર્ય અહીંથી થતું આવ્યું છે. સરકાર, સમાજ, વ્યક્તિ અને સંસાધનોના સમન્વયથી, દિવ્યાંગ વ્યક્તિ કે જે પરિવારનો બોજ ન બનતા સમાજનો એક જાગૃત, સક્ષમ, સ્વ – નિર્ભર અને ઉત્સાહપૂર્ણ નાગરિક બની પોતાનું આગવું સ્થાન જાળવી રાખે, એ આશા સાથે નિરંતર અહીંથી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આવનારા સમયમાં પણ, સમયની માંગ અનુસાર તાલીમ અને કૌશલ્યના પરિવર્તન સાથે નવીન અભિગમો જોડી, આ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ વ્યક્તિઓ માટે પથદર્શક, પ્રેરણાદાયક અને પ્રોત્સાહક બની રહે તેવી આશા સંસ્થા પરિવારની છે. આપ સૌના સહયોગથી, સરકારના અનુદાન તેમજ સંસ્થાના પરિવારજનો દ્વારા સતત મળતા આર્થિક સહયોગથી, અમારો આ અભિગમ પણ ભવિષ્યમાં જરૂર પૂર્ણ થશે એવી આશા સાથે, રાષ્ટ્રીય અંધજન મંડળ પરિવાર વતી, કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં તાલીમ મેળવી જીવનને સફળ બનાવનાર સૌ દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

બાબુભાઈ પ્રજાપતિ