વાત્સલ્ય ડે કેર સેન્ટર દિવ્યાંગ બાળકોનાં જીવનમાં નવસંચારનું કિરણ


માનવી એક સામાજિક પ્રાણી છે અને તેની વિચારશીલતા એ તેનું સૌથી મોટું આભૂષણ છે. આપણા વિચારો આપણા જ્ઞાન થકી પ્રેરિત થાય છે અને જ્ઞાન એ સૌથી મોટી મૂડી છે. જીવનને સુપેરે ચલાવવા માટે જ્ઞાન અનિવાર્ય છે. જોકે, માત્ર પુસ્તકિયું જ્ઞાન આપણને ડિગ્રી આપે છે, જ્યારે વ્યાવહારિક જ્ઞાન આપણને આજીવિકા કમાવવાના વિકલ્પો શોધી આપે છે. દરેક વ્યક્તિ પરિવારના ગુજરાન માટે કંઈક આર્થિક પ્રવૃત્તિઓ કરી પોતાનું જીવનનિર્વાહ કરે છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં દિવ્યાંગ બાળકો આ સુવિધાથી વંચિત ન રહે, તે માટે રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર ખાતે તેમના શિક્ષણની સાથોસાથ તેમની રોજબરોજની ક્રિયાઓને વ્યવસ્થિત કરવા માટેડે કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના છેવાડાનાં ગામોમાં જ્યાં સામાન્ય વ્યક્તિ માટે પણ શિક્ષણ મેળવવું મુશ્કેલ હતું, તે સમયે, લગભગ 1990 થી અહીં દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણની સાથોસાથ ડેકેર સેન્ટર દ્વારા તેમને રોજિંદી ક્રિયાઓ કેવી રીતે સ્વતંત્રપણે કરી શકાય તેની તાલીમ આપવાનો ઉદેશ્ય રહ્યો છે. શરૂઆતમાં, અહીં બાળકોને દિવસ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી તેમના રોજબરોજના વ્યવહારને સુગમ્ય બનાવવાની કોશિશ થતી હતી. દિવ્યાંગ બાળકો જાતે બ્રશ કરતાં થાય, નહાતા થાય, કપડાં પહેરે, માથું ઓળાવે, સ્વચ્છ જીવન પ્રવૃત્તિઓનું પાલન કરે અને વ્યવસ્થિત રીતે ખાતા – પીતા કે વાતચીત કરતાં શીખે તે ખૂબ જરૂરી છે. આ માટે તેઓને વિશેષ તાલીમની જરૂર હોય છે. અહીં વિશિષ્ટ તાલીમ દ્વારા તેઓને પોતાની રોજિંદી ક્રિયાઓ કેવી રીતે કરવી તે અંગેનું જ્ઞાન આપવામાં આવતું હતું.

જેમ જેમ બાળકની પ્રગતિ થાય તેમ તેમ તેને જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા કેટલોક વ્યવહારિક વિજ્ઞાન પણ અપાતું હતું. કલરની ઓળખ કરવી, શાકભાજી કે ફળોને સ્પર્શ દ્વારા ઓળખવા કે ચિત્ર જોઈ શ્રવણમંદ બાળકો વસ્તુઓને ઓળખતા થાય તેવી અનેક પ્રાથમિક ગતિવિધિઓથી બાળકોની અંદર જ્ઞાન ભરવાનું કામ ચાલતું હતું. સંસ્થામાં આવેલું આ ડે કેર સેન્ટર અનેક દિવ્યાંગ બાળકો માટે જીવનની એક નવી ઊર્જાનું સંચાર કરનારું કેન્દ્ર બની રહ્યું હતું. બાળકો ખુશી ખુશી અહીં આવે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરે અને એકદમ હળવાશથી નવી નવી વસ્તુઓ શીખે, તે અભિગમથી આ કેન્દ્ર સફળતાપૂર્વક ચાલી રહ્યું હતું. દિવ્યાંગ બાળકોની કેટેગરી પ્રમાણે અંધ, મંદબુદ્ધિ કે શ્રવણમંદ બાળકોને જરૂરિયાત પ્રમાણે સાધનો પૂરા પાડી તેની ઓળખ તેમજ તેનો ઉપયોગ કરવાની તાલીમ પણ અપાતી હતી

20

શરૂઆતનાં વર્ષોમાં ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહેલું આ ડે કેર સેન્ટર દિવ્યાંગ બાળકોમાં સકારાત્મક અભિગમ પેદા કરવા માટે ખૂબ જ સહાયક બન્યું. જોકે, સંસ્થાની કેટલીક વ્યક્તિગત સમસ્યાઓ જેવી કે વારંવાર ભાડાનાં મકાનોમાં સ્થળાંતર અને મકાનમાં જગ્યાનો અભાવ જેવી કેટલીક વિષમ પરિસ્થિતિઓનાં કારણે કેટલાક સમય માટે આ ડે કેર સેન્ટરને બંધ કરવાની ફરજ પણ પડી હતી. શ્રી ભાસ્કરભાઈ સાહેબ દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે હરહંમેશ અગ્રેસર રહેતા, પણ કેટલીક સમસ્યાઓના કારણે ક્યારેક ક્યારેક પરિસ્થિતિઓ વિષમ બની અને અમુક સમય માટે સંસ્થાના કેટલાક પ્રોજેક્ટ બંધ કરવા પડ્યા.

સંસ્થાનું નવીન મકાન તૈયાર થયું ત્યાર પછી સૌપ્રથમ અહીં વાત્સલ્ય ડે કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી. જેમાં ઈડરની આજુબાજુનાં ગામડાઓમાંથી બાળકોને રોજ લાવવા, તેમને નિશુલ્ક શિક્ષણ અને જરૂરી તાલીમ આપવી, તેમને પોષણયુક્ત નાસ્તો અને ભોજનની સુવિધા પણ આપવી તથા સમય – સમયે જરૂરિયાત મુજબ તેમને ઉપયોગી સાધનો પૂરા પાડવા એ આડે કેર સેન્ટરનો મુખ્ય અભિગમ છે. અત્યારે આડે કેર સેન્ટર ખૂબ જ ધમધમી રહ્યું છે. અહીં દિવ્યાંગતાની અલગ અલગ કેટેગરીમાં લગભગ 60 જેટલાં બાળકો દરરોજ તાલીમ મેળવે છે. ગુજરાતી મહિનાઓના નામ, સાત વારના નામ કે ગુજરાતી મૂળાક્ષરોનું જ્ઞાન તેમને જે પદ્ધતિ અનુકૂળ હોય તે દ્વારા વિશિષ્ટ શિક્ષકો અહીં કાર્યરત છે. કેટલાંક બાળકોને નિયત સમય માટે અહીં બોલાવી તેમને અભ્યાસ તેમજ અન્ય ક્ષેત્રોમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે.

વાત્સલ્ય ડે કેર સેન્ટર ઈડર નગરની આસપાસનાં ગામમાં રહેતા મનોદિવ્યાંગ, શ્રવણમંદ કે બહુ – દિવ્યાંગ બાળકો તેમજ તેમના માતા – પિતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. અહીં સતત તેમના વ્યક્તિગત વિકાસ પર ધ્યાન રાખવામાં આવે છે. સંસ્થા દ્વારા બાળકોને ઉપયોગી એવા વિવિધ ઉપકરણો જેવા કે રમવા માટેના બ્લોક્સ, શાકભાજી અને ફળોનાં આકારવાળા રમકડાં કે અલગ અલગ કલર તેમજ કેટલીક દિવ્યાંગ ઉપયોગી સાધન સામગ્રી હંમેશાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહીં આવતાં બાળકોને જો બોલવામાં તકલીફ હોય તો સ્પીચ થેરાપિસ્ટ દ્વારા સ્પીચ થેરાપી આપી તેમની બોલવાની ક્ષમતા વધારવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. CP (સેરેબ્રલ પાલ્સી) અને માનસિક લખવાગ્રસ્ત બાળકો જે સામાન્ય હલનચલન ન કરી શકતા હોય, તેઓને ફિઝિયોથેરાપીમાં કસરત કરાવી તેમની હલનચલનની પ્રક્રિયા સરળ બનાવવાનો ખૂબ સુંદર પ્રયાસ અહીં થઈરહ્યો છે. શ્રવણમંદ બાળકો માટે સ્પેશિયલ ઓડિયો રૂમ તૈયાર કરાવ્યો છે, જ્યાં તેઓ પોતાની દિવ્યાંગતાને ભૂલીને પોતાના વિકાસ તરફ અગ્રેસર થઈ શકે છે.

21

સમાજના અનેક દાતાશ્રીઓ અને સંસ્થા દ્વારા આ ડે કેર સેન્ટર માટે મહિને લગભગ એકાદ લાખ રૂપિયા જેટલો ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ ખર્ચ બાળકોનાં વ્યક્તિત્વ નિર્માણ માટે ખૂબ જ સહાયક છે એવું ચોક્કસ કહી શકાય. અહીં આવતાં બાળકો અને તેમના વાલીઓની સમસ્યાઓ જેમ જેમ હળવી બનતી જાય તેમ તેમ તેઓમાં જોવા મળતો આનંદ અને સંતોષની લાગણી આ ડે કેર સેન્ટરને સતત ધબકતું રાખવા સંસ્થાના સહમંત્રી શ્રીમતી પ્રવિણાબેન મહેતા ખૂબ જ મહેનત કરી રહ્યાં છે. બાળકોને સતત પ્રોત્સાહિત કરવા કે તેઓ માટે પૌષ્ટિક નાસ્તો જાતે તૈયાર કરવો એ તેમની માનવસહજ અને માતૃત્વસહજ લાગણીઓને વ્યકત કરે છે. બાળકો અને તેમના માતા – પિતા પણ બહેન પાસેથી માર્ગદર્શન મેળવી ધન્યતા અનુભવે છે.

ભાસ્કરભાઈ સાહેબનું માર્ગદર્શન, પ્રવિણાબેનની મહેનત અને ડે કેર સેન્ટરના વિશિષ્ટ શિક્ષકોની સતત કર્તવ્યનિષ્ઠા આ જિલ્લાનાં દિવ્યાંગ બાળકો માટે ખૂબ જ સાર્થક બની રહેશે અને કેટલાય દિવ્યાંગ વ્યક્તિઓ ઘર અને પરિવારમાં સન્માનપૂર્વક રહી શકશે એટલી ખાતરી તો આ ડે કેર સેન્ટરના સંચાલન પરથી આપી શકાય. આર્થિક સંકળામણ હોવા છતાં બાળકોના વિકાસ માટે ક્યારેય સંસ્થાએ પાછી પાની કરી નથી. ત્યારે આ પ્રસંગે એટલું જરૂર કહી શકાય કે સમાજના શ્રેષ્ઠીઓના પૈસા સતકર્મમાં વપરાય અને તેનું શુભ પરિણામ મળે એવો ત્રિવેણી સંગમ અહીં આપણે જોઈશકીએ છીએ. આ ડેકેર સેન્ટર આવનારા સમયમાં ખૂબ પ્રગતિ કરે અને તેને સંસ્થા, સમાજ અને દાતાશ્રીઓનો સહયોગ મળતો રહે એવી અપેક્ષા સાથે આપ સૌને સંસ્થાના આ કાર્યમાં તન, મન અને ધનથી જોડાવાની અપીલ કરીએ છીએ.

વાત્સલ્ય ડે કેર સેન્ટર વિશે વધુ માહિતી મેળવવા અથવા યોગદાન આપવા માંગો છો?

ડાં. પુર્વેશ પંડ્યા