અંધજન મંડળ બ્રેલ પુસ્તકાલય જ્ઞાનનો ઝળહળતો દીવડો

ગુજરાતમાં જ્યારે દૃષ્ટિહીન લોકો માટે આંગળીના વેઢે ગણી શકાય તેવાં બ્રેલ પુસ્તકાલયો હતાં, ત્યારે સાબરકાંઠા જેવા પછાત વિસ્તારમાં આવેલું ઈડર, જ્ઞાનના નવા સૂર્યનું સાક્ષી બન્યું. રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી, જેનો શ્રેય ડોક્ટર કરસનભાઈ સોનેરી, પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા અને પ્રવિણાબેનનાં સહિયારા પ્રયાસોને જાય છે.

આ પ્રયાસોનાં ફળ સ્વરૂપે, ૧ એપ્રિલ, ૧૯૮૯ ના રોજ, અંધજન મંડળ બ્રેલ પુસ્તકાલયનો શુભારંભ થયો. ગ્રંથાલય શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા માન્યતા મળતા જ સંસ્થાને ૫૦૦૦ ની ગ્રાન્ટ મળી, જે આ ભવ્ય જ્ઞાનદીપનો પાયો બની.

શરૂઆતના દિવસોમાં પુસ્તકાલય એક રૂમ ભરીને પડેલાં બ્રેલ પુસ્તકોનાં ઢગલાથી શરૂ થયું હતું. પ્રથમ નજરે આ પુસ્તકો સાવ કોરા લાગતા, પરંતુ ધીમે ધીમે ઉપસેલા ટપકાંનો પરિચય થયો અને તેની અદ્ભુત દુનિયા ખુલી. પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાએ બ્રેલ લિપિના છ ટપકાં, કક્કો અને બારાક્ષરીની સમજ આપી. આ સમજણથી બ્રેલ લિપિ શીખી અને ગાયત્રી મંત્ર લખ્યો, જે પ્રોફેસર સાહેબ માટે ખૂબ આનંદ અને આશ્ચર્યનો વિષય બન્યો.

શરૂઆતમાં લગભગ ૫૦૦ થી ૭૦૦ બ્રેલ વોલ્યુમ્સનો સંગ્રહ હતો, જેને મેગેઝિન, વાર્તાઓ અને અન્ય પુસ્તકોના રૂપમાં ગોઠવવામાં આવ્યો. પ્રોફેસર સાહેબના માર્ગદર્શન અને પ્રોત્સાહનથીઆ સંગ્રહ ધીમે ધીમે વિકસ્યો. ૧૯૯૦ થી અલગ - અલગ બ્રેલ પ્રેસમાંથી જરૂરિયાત મુજબનાં પુસ્તકો મંગાવવામાં આવતાં, જેમાં હિન્દી અને અંગ્રેજી મેગેઝિન પણ સામેલ હતા. અમદાવાદ, મુંબઈ અને દેહરાદૂન જેવાં શહેરોમાંથી આવતાં પુસ્તકોને વિષયવાર, જેમ કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવતા, જેથી વાચકોને સરળતા રહે.

આ પુસ્તકાલયનો વિકાસ અહીં જ અટક્યો નહીં. રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકત્તા તરફથી બ્રેલ પુસ્તકોનાં નિર્માણ માટે ગ્રાન્ટ મળતા સંસ્થાએ ગુજરાતી ભાષાની કૃતિઓને બ્રેઈલમાં બનાવવાનું કાર્ય પણ શરૂ કર્યું. આ કાર્યમાં મોટાભાગે દૃષ્ટિહીન લોકો જ જોડાતા, જેનાથી તેમને રોજગારી પણ મળતી. સમય જતાં, આ બ્રેલ વોલ્યુમનો સંગ્રહ ૧૫૦૦ થી ૫૦૦૦ અને પછી ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ સુધી પહોંચ્યો. જેમ જેમ પુસ્તકાલયનો વિકાસ થતો ગયો, તેમ તેમ તેનો ઉપયોગ પણ વધતો ગયો. નાના દૃષ્ટિહીન બાળકો બાળવાર્તાઓ અને બાળગીતો વાંચતા થયા, જ્યારે

ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સંદર્ભ પુસ્તકો તૈયાર કરવામાં આવતાં. આ પુસ્તકાલયનો લાભ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન અને અન્ય રાજ્યોના વાચકો પણ લેતા થયા.

પુસ્તકાલય માત્ર પુસ્તકોનું સંગ્રહસ્થાન ન રહેતાં, તે સંસ્થાની અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું. વકતૃત્વ સ્પર્ધા, નાટક, બ્રેલ લેખન - વાંચન અને ચેસ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓમાં પુસ્તકોનો ઉપયોગ થવા લાગ્યો. સંસ્થાના હોમ સાયન્સ સેન્ટરની બહેનો પણ ખૂબ વાંચતી થઈ. શ્રીમદ્ ભાગવત ગીતા જેવા પુસ્તકોમાંથી શ્લોકો તૈયાર કરીને સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય પણ આ ગ્રંથાલયે કર્યું. ભગવદ્ ગો મંડળ જેવી જોડણી અને ચાર વેદો પણ આ ગ્રંથાલયનું અનોખું ઘરેણું બની રહ્યા છે, જે જ્ઞાનની વિવિધતા દર્શાવે છે.

આ પુસ્તકાલયની સેવાઓ માત્ર દૃષ્ટિહીન લોકો સુધી સીમિત ન રહેતાં, વિવિધ વિકલાંગતા ધરાવતાં બાળકો, જેમ કે શ્રવણ - મૂક અને શારીરિક રીતે અશક્ત, પણ મોટા અક્ષરવાળા, ચિત્રોવાળા અને નકશા - આકૃતિવાળાં પુસ્તકોનો લાભ લેવા લાગ્યાં. ગામના વાચકોને ફ્રી પોસ્ટ પાર્સલ દ્વારા પુસ્તકો ઘરે મોકલવામાં આવતા, જેથી જ્ઞાનનું વર્તુળ વધુ વિસ્તૃત બન્યું. આજે આ ગ્રંથાલય એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જેમાં ૮૦ કબાટ, ઓડિયો - વીડિયો કેસેટ્સ અને આધુનિક ટેનિક સાથે ડિઝિટલ લાયબ્રેરીનો પણ સમાવેશ થયો છે. ગ્રંથાલય વિભાગ દ્વારા ૨.૫ લાખ સુધીની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. આ પુસ્તકાલય ખરા અર્થમાં સંસ્થાનું હૃદય અને તેનો ગૌરવ બની રહ્યું છે, જે અંધકારમય જીવનમાં જ્ઞાનનો ઝળહળતો દીવડો પ્રગટાવી રહ્યું છે.

છેલ્લે એટલું જરૂર કહીશ છેલ્લા કેટલાક સમયથી આ લાયબ્રેરીનું પ્રવિણાબેન મહેતાએ જીવની જેમ જતન કરે છે. અને લાભાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડે છે તે ખૂબજ સરાહનીય બાબત છે. આ સર્વ કાર્યને વિકાસ અને વેગવંતુ બનાવનાર, ઊર્જા પ્રદાન કરનાર શ્રી ભાસ્કર ભાઈ સાહેબને ભગવાન ખૂબજ સ્વચ્છ, દીર્ધાયુ પ્રદાન કરે તેવી અંતરથી પ્રાર્થના...

હર્ષાબેન બી. પંડ્યા

હર્ષાબેન બી. પંડ્યા
ગ્રંથપાલશ્રી, ઇડર