રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા ઇડર ખાતે અંધજનો માટે સંગીતનાં વર્ગોનું આયોજન કરવામાં આવે છે, જે એક પ્રશંસનીય પહેલ છે. સંગીત એ અંધ વ્યક્તિ માટે એક જડીબુટ્ટી સમાન છે, જે તેમના જીવનમાં આનંદ, આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે. આ વર્ગોનો મુખ્ય હેતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંધ બાળકો સંગીત વિષય સારી રીતે શીખી શકે અને ખૂબ સારા ગુણ સાથે ધોરણ 10 ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શકે તે છે. આ ભગીરથ કાર્ય છેલ્લાં 35 વર્ષથી ચાલી રહ્યું છે અને તેના મૂળિયાં 1990 ના દાયકા સુધી પહોંચે છે. જ્યારે અલગ અલગ તાલુકાઓમાં આસંસ્થા દ્વારા સંગીતનાં વર્ગોનું આયોજન શરૂ કરાયું હતું.
દર રવિવારે કે રજાના દિવસે સંસ્થા દ્વારા સંગીત શિક્ષકની સુવિધા ઉપલબ્ધ કરાવીને બાળકોને તેમના જ તાલુકા મથકે સંગીતનું જ્ઞાન મળી રહે તેવા ઉમદા હેતુથી આ વર્ગોનું સફળ આયોજન થઈ રહ્યું છે. આ સુવિધામાં સંસ્થાના વિશિષ્ટ શિક્ષકો પોતાની રવિવારની રજાનો ભોગ આપીને દિવ્યાંગ બાળકો માટે સમય ફાળવે છે. તેમની ભાવના એ છે કે આ બાળકોને ધોરણ 10 માં સારા ગુણ મળે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને. આ વર્ગોમાં બાળકોને લાવીને તેમની પ્રેક્ટિકલ તેમજ થિયરીની તાલીમનું આયોજન પણ કરવામાં આવે છે. આ કાર્યમાં સંસ્થાના સ્થાપક શ્રી ભાસ્કરભાઈ મહેતા સાહેબનો ફાળો અમૂલ્ય છે. તેમનો અભિગમ હંમેશાં એ રહ્યો છે કે દિવ્યાંગ વ્યક્તિઓને ક્યારેય પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
શરૂઆતમાં બાળકોને સંગીતનું જ્ઞાન મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે, આ વર્ગો સંસ્થા ખાતે જ શરૂ કરવામાં આવ્યા હતા. બાદમાં, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, ભિલોડા જેવા અલગ અલગ તાલુકા મથકે પણ સંગીતનાં વર્ગોનું આયોજન થવા લાગ્યું, જેથી વધુને વધુ બાળકોને આનો લાભ મળી શકે. અત્યારે જ્યારે સંકલિત શિક્ષણનું સ્થાન સંમેલિત શિક્ષણે લીધું છે, ત્યારે પણ કોઈપણ શાળામાં ભણતા અંધ વિદ્યાર્થીને ધોરણ 10 ની પરીક્ષામાં સંગીત વિષય સાથે પરીક્ષા આપવી હોય તો તેની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે. આ માટે જિલ્લાના વહીવટી અધિકારીઓને વખતોવખત પત્રવ્યવહાર તથા અન્ય માધ્યમોથી માહિતગાર કરવામાં આવે છે. આનો હેતુ એ છે કે કોઈપણ વિદ્યાર્થીનું સંગીત શિક્ષણ સુવિધાના અભાવે અટકી ન જાય અને ગણિત જેવા અઘરા વિષય સાથે પરીક્ષા આપવી ફરજિયાત ન બની રહે.
સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિઓનું ઉત્તમ ઉદાહરણ શ્રી ભરતભાઈ વાઘેલા છે, જેઓ સંસ્થાના એક અંધ વિદ્યાર્થી છે અને આજે સામાન્ય શાળામાં સંગીત શિક્ષકની ફરજ બજાવે છે. તેમની પાસેથી સંસ્થા માનદ્ વેતનથી સાપ્તાહિક સંગીત વર્ગનું આયોજન આજ દિન સુધી ચલાવી રહી છે. આ સંસ્થાનો સેવાકીય અભિગમ અંધ વ્યક્તિના જીવનમાં કલ્પવૃક્ષથી ઓછો કારગર નથી. સમાજમાં સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે અંધ વ્યક્તિ સંગીતમાં ખૂબ જ હોશિયાર હોય છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં આ માન્યતા ઘણી હદે બદલાઈ છે, પરંતુ ધોરણ 10 ની પરીક્ષામાં ગણિત વિષયના વિકલ્પે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંગીત વિષય લેવાની મંજૂરી મળવાથી ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 મા સંગીત વિષયનો અભ્યાસ કરી પોતાની સફળ કારકિર્દીની શરૂઆત કરી શક્યા છે.
આ સંસ્થા માત્ર સંગીતનું શિક્ષણ જ નહીં, પરંતુ અંધજનોના જીવનમાં એક નવી દિશા અને આશાનું કિરણ પ્રગટાવવાનું કામ કરી રહી છે. આ વર્ગોના માધ્યમથી તેઓ માત્ર સંગીતના સૂર જ નથી શીખતા, પરંતુ જીવનના તાલ અને લયને પણ સમજતા થાય છે. આ પ્રવૃત્તિથી અંધ બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે છે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે છે. આ સંસ્થાની સંગીત શિક્ષણની સુવિધાએ અસંખ્ય અંધ વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવામાં મદદ કરી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. આ પ્રવૃત્તિ અન્ય સંસ્થાઓ માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.