ઇ.સ. 1975 ના એ દિવસો હતા. અમદાવાદ ખાતે એલ.ડી. આર્ટસ કોલેજની હોસ્ટેલમાં નેત્રહિન મીત્રોને મળવા ગયો, એ મીત્રોએ એક અનોખી વ્યકિતને મળવા જવાનું સૂચન કર્યું અને મેં સ્વીકાર્યુ. સાંજના સમયે રોડ ક્રોસ કરી સામે આવેલા ભાટીયા બિલ્ડીંગમાં એ વ્યકિતને ત્યાં ગયા. તે વ્યકિત એટલે પ્રા. ભાસ્કરભાઇ મહેતા, તેમની પ્રથમ મુલાકાતે જ તેમની વાચાળતા, લાગણીસભર વ્યવહાર અને મિલનસાર સ્વભાવ મને જચી ગયા. તે કાળે હું પ્રિ-આર્ટસમાં અભ્યાસ કરતો. આથી મનમાં થયું આ વ્યકિત સાથે મૈત્રી કેળવવાથી મારા અભ્યાસમાં મને મદદરૂપ થશે પરંતુ માત્ર અભ્યાસમાં જ નહિ એતો જીવનનાં તમામ ક્ષેત્રોમાં મદદરૂપ બન્યા. ત્યારપછી અવાર નવાર મળવાનું થતું રહ્યું અને પરિચય ગાઢ બનતો ગયો, એકબીજાનાં પરિવાર સાથે સબંધ બંધાયા અને પ્રસંગોએ મળવાનું વધ્યું.
પ્રા. ભાસ્કર મહેતામાં નેતૃત્વનાં ગુણ તો વિધ્યાર્થી કાળથી જ રહેલા હતા. વળી તેમની વાકપટુતાએ લોકોની ચાહના ખૂબ જ મેળવી, પરીણામે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રકક્ષાએ વિવિધ સંગઠનોમાં જોડાયા, એટલું ન નહી પરંતુ રાષ્ટ્રીય દ્રષ્ટિહીન સંઘના
ઉપપ્રમુખ તરીકે ચુંટાયા. તેમની સાથે અનેક સંસ્થાઓનાં કાર્યક્રમમાં જવાનું થતું આથી મને બરાબર યાદ છે કે એક રાષ્ટ્રીય પરિષદમાં તમામ પ્રાંતોનાં નેત્રહીન ભાઇ-બહેનોની માંગ થયેલ કે પ્રા. ભાસ્કર મહેતા ‘ઓપન હાઉસ સેશન’ નાં ચેરમેન બને અને આ ભૂમિકા તેમણે ખૂબ સફળતાપૂર્વક નિભાવી હતી. આવી તો અનેક પરિષદોમાં પોતાની તજજ્ઞતાનો લાભ આ ક્ષેત્રનાં ભાઇ-
બહેનોને આપ્યો છે. નેત્રહીનો માટેનાં રાષ્ટ્રકક્ષાનાં ત્રણ સંગઠનો છે. National Association for the Blind, National Federation of the Blind & All India Confederation of the Blind. આ ત્રણે સંગઠનોમાં જુદા-જુદા હોદ્દાઓ પર રહી પોતાની સેવાઓ આપેલ છે.
“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણ દિઠેલી ભોમ પર, યૌવન માડે આંખ”
વ્યકિતની યુવા અવસ્થા એવી છે કે કંઇ નવુ કરવા મન થનગનતું હોય છે, એમાંયે વ્યવસયે હું શિક્ષક તરીકે જોડાયો. મનમાં થયું સામાન્ય શિક્ષકોની જેમ નેત્રહિન શિક્ષકો માટે પણ એક સંગઠન રચવુ જોઇએ જેથી તેમના પ્રશ્નોની રજુઆત યોગ્ય સ્થાને થઇ શકે. આ વિચારે મેં કેટલાક મીત્રોની મદદથી “અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘ” ની સ્થાપના કરી આ સંગઠનનાં માનદ્મંત્રી તરીકે મને જવાબદારી સોંપવામાં આવી પરંતુ સમજદારી પૂર્વક કામ કરી શકે અને સમગ્ર સંગઠનનું યોગ્ય સંચાલન કરી શકે, સરકાર સમક્ષ યોગ્ય રજુઆત કરી શકે તેવા પ્રમુખ તરીકે કોને બેસાડવા? ખૂબ ચર્ચા વિચારણા અને શોધખોળ થઇ. છેલ્લી ઘડીએ પ્રા. ભાસ્કર મહેતા પર પસંદગીની મહોર લાગી, આ પણ તેમની અનિચ્છા હોવા છતાં આગ્રહપૂર્વકની મારી વિનંતીને ધ્યાનમાં લઇ તેઓએ આ જવાબદારીભર્યું પદ સ્વીકાર્યુ. એટલુ જ નહિ પ્રમુખ પદને શોભે તેવી અદાથી આ સંગઠનને મજબુત કરવા વિવિધ સેમિનારો, કાર્યશાળાઓ તથા પરિષદોનાં આયોજનમાં તેમની આગવી સૂઝનો અને વિદ્વાતાનો પરીચય કરાવ્યો. આર્થિક રીતે પણ આ સંગઠનને મજબુત કરવામાં ભાસ્કર મહેતાનો ઓછો ફાળો ન હતો. તેમના અનેક મીત્રો સરકારશ્રીના ઉચ્ચ હોદ્દાઓ ધારણ કરી બિરાજમાન હતા. તેઓનો લાભ લેવામાં તેઓ કદી ખચકાટ અનુભવતા નહિ અને તેમના સ્નેહાળ, મિલનસાર અને રમૂજી
સ્વભાવને કારણે આવા દરેક અધિકારીઓ વિવિધ પ્રકારની મદદો કરવામાં કદી ના પાડતા નહિ. અલબત આવા અધિકારીઓનો લાભ તેઓએ સ્વહિત માટે કદી લીધેલો જણાયું નથી. દરમ્યાન અમારા બંનેનો પરિચય ગાઢ મૈત્રીમાં પરિવર્તીત થઇ ચુક્યો હતો. આથી આ સંગઠનને નવું બળ મળ્યું. પ્રતિવર્ષ રાજ્યના જુદા-જુદા સ્થળોએ શૈક્ષણિક પરિષદો યોજી શિક્ષકોને ઉપયોગી પુસ્તકોનું બ્રેઇલીકરણ કરાવી દરેક શિક્ષકને વિનામૂલ્યે આપવાનાં ઉમદા કાર્યમાં પ્રા. ભાસ્કર મહેતાનું આગવું પ્રદાન રહ્યું હતું. નેત્રહીન શિક્ષકોની સજ્જતા વધે, સમાજમાં તેઓનું આગવું સ્થાન રહે અને વધુને વધુ નેત્રહીનો શિક્ષક તરીકે જોડાય તે માટે તેઓશ્રીએ આ સંગઠન દ્વારા વ્યકિતગત રીતે તથા સરકારશ્રી દ્વારા વિવિધ ઠરાવો કે પરિપત્રો કરાવી પ્રયત્નશીલ રહયા હતા.
ઇ.સ. 1985 માં સાબરકાંઠા જિલ્લાનાં ઇડર ગામે રાષ્ટ્રીય અંધજન મંડળ-સાબરકાંઠા જિલ્લા શાખાની સ્થાપના થઇ. આ જિલ્લા શાખાનાં સ્થાપક માનમંત્રી થવાનું ગૌરવ પણ પ્રા. ભાસ્કર મહેતાને જ મળ્યું. આ પછાત વિસ્તારનાં નેત્રહિન ભાઇ- બહેનોનાં શૈક્ષણિક, વ્યવસાયિક તથા પુનર્વસનનાં કાર્યોમાં તેઓએ દિવસ-રાત તનતોડ મહેનત કરી, આવા ભાઇ-બહેનોને નવો રાહ ચીંધ્યો. રોજબરોજનાં કાર્યોમાં નેત્રહિનો અને વિકલાંગો જ છવાયેલા રહયા. સવારે કોલેજ જવું, બપોરથી મોડી સાંજ સુધી શાખાનાં કાર્યાલયે બેસી નેત્રહીનોનાં કલ્યાણકારી કાર્યોમાં રત રહેવું તે ભાસ્કર મહેતાનો જીવન ક્રમ બની ગયો. રાજ્ય, રાષ્ટ્ર તથા
આંતરાષ્ટ્રીય કક્ષાએ યોજાતા પરિસંવાદો, પરિષદો તથા કાર્યશાળાઓમાં અનેકવિધ શોધપત્રો રજુ કરી પોતાની વિદ્વતાનો પરિચય કરાવ્યો, એટલું જ નહી નેત્રહીનોનાં વિકાસમાં નવો રાહ ચીંધ્યો. તેમના સરળ, માયાળુ, રમૂજી, પરોપકારી અને વાચાળ સ્વભાવને કારણે લોકોમાં ખૂબ પ્રિય બન્યા અને આજે પણ એટલા જ પ્રિય બની રહયા છે. કામ કરવામાં કદી થાકે નહિ, મુસાફરીમાં કદી કંટાળે નહિ, કોઇ સાથે બોલવામાં નાનપ અનુભવે નહિ અને ગમે તેવા મોટા અધિકારીઓની ખોટી શેહ-શરમ રાખે નહિ તેવા ભાસ્કર મહેતા ગુજરાત સરકારની નજરથી દૂર રહયા નહિ. રાજ્ય સરકારે વિકલાંગ વ્યકિતઓ માટેનાં કમિશ્નર તરીકે તેમની નિમણુંક કરી અને તે ત્રણ વર્ષ સુધી બરાબર નિભાવી. તેમની કુશાગ્ર બુધ્ધિ, દિર્ઘદ્રષ્ટિ અને વહિવટી કુશળતાનો પરિચય કરાવ્યો. તેઓ કમિશ્નર તરીકે રહયા ત્યાં સુધી સરકારી અધિકારી કરતાં નેત્રહિનો તથા વિકલાંગોનાં શુભચિંતક તરીકે વધુ રહ્યા હતા. આજે પણ લોકો તેમને કમિશ્નર તરીકે યાદ કરે છે. પ્રા. ભાસકર મહેતા અંધજન કલ્યાણ ટ્રસ્ટ-ધોરાજીનાં પ્રમુખ તરીકે હોય, બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સીલ દાહોદનાં ઉપપ્રમુખ તરીકે હોય કે નેશનલ ઓસીશીએશન ફોર ધી બ્લાઇન્ડ-ઇન્ડિયાનાં ઉપપ્રમુખ તરીકે હોય
તેમને હોદ્દા કરતા વિકલાંગ ભાઇ-બહેનોનાં કામમાં રસ વધારે હોય છે. ભણતા વિદ્યાર્થીઓનાં પ્રશ્ન હોય કે કર્મચારીઓનાં,
વિકલાંગ બહેનોનો પ્રશ્ન હોય કે બહુવિકલાંગ ભાઇઓનો તેઓ હંમેશા આવા પ્રશ્નોનાં ઉકેલ માટે સંઘર્ષ કરતા રહયા છે,
એક મીત્ર તરીકે ભાસ્કરની વાત કહુ તો હંમેશા સુખ-દુખનાં સમયે સાથે ઉભનારો અને દુખમાં ભાગીદાર બને તેવો સાચો મીત્ર બની રહયો છે. આ તો અમારી એટલે કે પ્રફુલ-ભાસ્કર-યુસુફીની મીત્ર ત્રીપુટી નેત્રહિનોનાં જગતમાં ખૂબ પ્રસિધ્ધિ પામી છે. એટલું જ નહિ લોકોને ઇર્ષા કરાવે તેવી બની રહી છે. અમારા ત્રણેનાં વિચારો અને સ્વભાવો ભલે જુદા હોય પરંતુ દિલ તો એટલા હળી-મળી ગયા છે કે છુટા પડવા અસંભવ છે.
આમ, ઇ.સ. 1975 થી બંધાયેલી અમારી મૈત્રી આજપર્યત એટલી જ ગાઢ બની રહી છે. મીત્રો હોવા છતાં અનેક પ્રસંગોએ મતભેદ થયા છે, ઉગ્ર બોલાચાલી થઇ છે છતાંયે કદી મનભેદ થયા નથી. તેનું કારણ ભાસ્કરની ઉદારતા, ધૈર્યશીલ સ્વભાવ અને તેમની પ્રગલ્ભતા જ કારણભૂત રહી છે. ઘણા દુઃખનાં પ્રસંગોએ એક મોટા ભાઇ તરીકે હમદર્દી દાખવી અનેક સલાહ સૂચનો આપી દુઃખ ઓછુ કરવાનાં પ્રયાસો કર્યા છે, જે કદી ભુલી શકાય તેમ નથી. સુખમાં તો બધા સાથે રહે જ, મોજ મજા માળે પણ દુઃખમાં જે સાથી બનીને ઉભો રહે તે જ સાચો મીત્ર. ભાસ્કર મહેતા આમાનો જ એક મીત્ર છે. ઇશ્વર તેમને દિધાર્યુ બક્ષે, નિરોગી
રાખે અને નેત્રહિનોનાં કલ્યાણમાં હંમેશા તત્પર રહે તેવી શુભ કામના.