“નહીં રે વિસરૂં ભાસ્કર”

અમારી મિત્રતાના 37 વર્ષો પૂર્વે શ્રી ભાસ્કરભાઈ મહેતા સાથે સૌ પ્રથમ મુલાકાત ગુજરાત યુનિવર્સીટી હોસ્ટેલમાં થયેલ. 1973 ના વર્ષે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની શરૂઆતમાં થયેલ પરિચય દરમ્યિાન તેમના અંધત્વને અકબંધ રાખીને દ્રષ્ટિવાન સ્નાતકોની હરોળમાં ઉચ્ચ સ્થાન મેળવવાની આકાંક્ષા આકર્ષી ગઈ. જેના લીધે તેઓની સાથેની મુલાકાત અને મિત્રતામાં ઉત્તરોત્તર વૃધ્ધિ થવા પામેલ. અનુસ્નાતક કક્ષાએ સમાન વિષયો સંસ્કૃત/પ્રાકૃત હોવાના કારણે આ મુલાકાતની અસરો અદ્યાપિ ચિરંજીવી બની રહેલી છે.

છાત્રાલયના સહનિવાસ દરમ્યાન સરખે સરખા તરૂણો એકબીજાની નિર્દોષ મજાક-મશ્કરી કરે તે યુવાની સહજ સર્વ સામાન્ય લક્ષણ છે. ઉદાહરણ તરીકે અમારા સમાન મિત્ર અને સહાધ્યાયીશ્રી હરિશ જે. ભાવસારનું સ્મરણ અચૂક થઈ જાય.

શ્રી ભાસ્કરભાઈ સાચી વસ્તુના આગ્રહી ખરા. ખોટું ન ચલાવવાની બાબતે વડીલો/અધ્યાપકો સાથે સંવાદ ક્યારેક થઈ જાય. કોઈ પણ સ્થળે કોઈને મદદરૂપ થવાની ભાવના તેઓમાં છલોછલ જોવા મળે-આજે પણ. અધ્યયનકાળ દરમ્યિાન, સહપ્રવાસ કે વિકલાંગોના કાર્યમાં અનેક પ્રકારના અનુભવો થયેલ. શ્રી ભાસ્કરભાઈનું વાંચન કરતાં મારું અધ્યાપન પણ સમાંતર ધોરણે થઈ જતું, પાઠ્યપુસ્તકો, વર્તમાનપત્રો, સંદર્ભગ્રંથોનું વાંચન નિયત કરેલ સમયાવધિમાં થતું રહેતું. શ્રી ભાસ્કરભાઈના બહોળા મિત્રમંડળના સંપર્કમાં વારંવાર મુલાકાતોના પ્રસંગો બનતા. લાયન્સ કલબની મીટીંગો,

એમ. એ., બી. એડ્. ના અભ્યાસકાળ દરમ્યાન વડીલો, અધ્યાપકો, શુભેચ્છકોને વખતો વખત મળવા જવાનું હતું. પ્રાંતિજ આર્ટ્સ કોલેજના તેઓના અધ્યાપન કાળ દરમ્યાન અમદાવાદથી પ્રાંતિજ દરરોજ અવર-જવરનો સાક્ષી બનવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ.

અંધજન મંડળ વસ્ત્રાપુર સાથે તેઓશ્રી શરૂઆતથી સંકળાયેલ હોવાથી મંડળના સંચાલકો, કર્મચારીગણના સંપર્કમાં રહેવાનું થતું. રાષ્ટ્રીય અંધજન મંડળની વિવિધ શાખાઓના પદાધિકારીઓ/હોદેદારોના પરિચયમાં આવવાને લીધે રાજ્યમાં અંધજનોના વિકાસ/પુનઃસ્થાપનના પ્રયાસો જોવા/જાણવાનો લાભ થયો. તેમાં પણ રાષ્ટ્રિય અંધજન મંડળ સાબરકાંઠા, શાખા ઈડરની કામગીરીનો ભાર શ્રી ભાસ્કરભાઈ એ એકલે હાથે વહન કરીને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતુ સ્થાન મેળવેલ છે. તે બાબત અમારા જેવા અનેક મિત્રોના આનંદમાં અભિવૃધ્ધિ કરનારું છે. શ્રી ભાસ્કરભાઈનો પશ્ચિમ જર્મનીનો પ્રવાસ જેના પાયામાં છે તે વિકલાંગોના વિષય અંગેની આંતરરાષ્ટ્રીય નિબંધ લેખન સ્પર્ધામાં વિજેતા નિવડેલ કૃતિની રચનામાં અમારો સહિયારો પ્રયાસ હતો તે મારા માટે આનંદ અને ગૌરવની વાત છે.

દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેલા અમારા પરિવારથી દૂર રહીને અભ્યાસકાળ દરમ્યિાન ઊભા થતા વિવિધ પ્રશ્નો નિવારવામાં શ્રી ભાસ્કરભાઈએ સક્રીયતા દાખવેલ છે જ. માતા પિતાની સુખાકારી-ભાઈ બહેનોના અભ્યાસ/વ્યવસાયને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન/મદદરૂપ થતાં સૂચનો તેઓના તરફથી હંમેશ મળતાં રહેલ. તેઓની પરિવાર સાથે રહેવાને કારણે તેઓની સામાન્ય સમસ્યાઓ અંગે જાણકારી તથા નિવારણ અંગે ખૂલ્લા દિલે ચર્ચા-વિચારણાને અવકાશ રહેતો.

અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ થતાં માટે રાજ્ય સરકારની સેવાઓમાં જોડાવાનું થયું. અધ્યયન/અધ્યાપનની કામગીરી શ્રી ભાસ્કરભાઈના ભાગે આવી. બંને મિત્રોના વ્યવસાયના સમયને બાદ કરતાં સામાજિક પ્રસંગો, રાષ્ટ્રીય અંધજન મંડળની કામગીરીના ભાગરૂપે યોજાતી શિબિરો/સ્પર્ધાઓના પ્રસંગે તેઓના આમંત્રણને નકારી શકાતું નહીં અને યથાસમય અનુકૂળતા કરીને હાજરી આપતાં અનેરા આનંદની અનુભૂતિ થતી.

શ્રી ભાસ્કરભાઈને વિકલાંગ કમિશ્નરપદની પ્રાપ્તિ થઈ તે પણ અમારા માટે વિશેષ આનંદ-ગૌરવની વાત છે. શૈક્ષણિક કામગીરીના અનુભવનું ભાથું મેળવીને સરકારી કાયદાકાનૂનની આંટીઘૂંટી વચ્ચે પોતાની વિકલાંગ તરીકેની મર્યાદાઓ સાચવીને પણ ત્રણ વર્ષ સુધી ઉચ્ચ સરકારી અધિકારીની ફરજે દ્વારા સામાજિક સેવાઓને આગળ ધપાવવાની કાર્યવાહી બજાવેલ છે.

શ્રી ભાસ્કરભાઈ સાથેના 37 વર્ષની પારદર્શક મિત્રતા આજે પણ એવી જ રહેલ છે. જે ભવિષ્યમાં પણ અવિસ્મરણીય રહેશે એમાં શંકાને સ્થાન રહેતું નથી.

અંતે “राजद्वारे स्मशाने च यो तिष्ठित स: बान्धव:” એ સૂકિતને શ્રી ભાસ્કરભાઈએ પોતાના જીવનમાં ચરિતાર્થ

કરેલ છે. આજે તેઓની જીવનની હિરક જયંતિ પર્વની ઉજવણી નિમિત્તે તેઓની અનેકવિધ સેવાઓને શુભેચ્છા સમર્પિત કરીને શેષ જીવનમાં પણ અમારા આજીવન સહકારની ખાત્રી સહીત પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરૂં છું.

- કૃષ્ણકાન્ત કે. મકવાણા
આણંદ