વિદ્યાર્થી જીવનની જૂની યાદોં-સ્મરણોને યાદ કરતાં ખૂબ જ આનંદ અને રોમાંચિત થઈ જવાય છે. સમય સમયનું કામ કરે છે. અને 44 વર્ષ પહેલાનો સમય વિદ્યાર્થી જીવનનો યાદ કરતાં આનંદ થાય છે.
વિદ્યાર્થી કાલમાં લગભગ 1967-68માં હાલના આશ્રમ રોડ ઉપર આવેલી નૂતન ફેલોસીપ હાઈસ્કૂલમાં ધોરણ -7 થી ધોરણ-10 સુધી શ્રી ભાસ્કરભાઈ, પોપટભાઈ તથા મારી ત્રણ જણની જુગલ જોડી કહેવાની અને સ્કૂલમાં ત્રણ મહિને ઈન્ટરનલ તેમજ વાર્ષિક પરીક્ષામાં પણ અમારા કલાસમાં સર્વપ્રથમ નંબર તો હંમેશા ભાસ્કર મહેતાનો જ રહેતો અને જે કંઈ હરીફાઈ થતી તે બીજા નંબરથી ચોથા નંબર વચ્ચે થતી. વધુમાં અમારા શ્રી ભાસ્કર મહેતાના પહેલા નંબર અને બીજા નંબર વચ્ચે પણ માર્ક અને ટકામાં ઘણો જ ફેર રહેતો અને તે લગભગ 15 થી 20 માર્ક નો નહી પણ હંમેશા 50 થી 90 માર્કનો તેમજ ઘણી વખત તો 3 થી 4% નો તફાવત રહેતો અને ત્યારે અમારા શિક્ષક શ્રી ચંદુભાઈ પટેલ કલાસમાં બધા વિદ્યાર્થીઓની હાજરીમાં શ્રી ભાસ્કરભાઈને અભિનંદન આપતા અને બાકીના અમને સૌને ખખડાવીને કહેતા કે ભગવાને તમને બધાને જોઈ શકો તેવી આંખો આપેલી છે. છતાં શ્રી ભાસ્કર મહેતા કે જેઓ અંધ છે તે દર વખતે પહેલો નંબર લઈ જાય છે.
મિત્ર તરીકે અમે તેમના ઘેર ચોપડીઓ સંભળાવવા વાંચવા જતા ત્યારે ક્યો પાઠ ક્યા પાના ઉપર આવેલો છે તે શોધવા અમો ઈન્ડેક્ષમાં ફાંફા મારતા હોઈએ ત્યારે શ્રી ભાસ્કર તેમની તીક્ષ્ણ યાદશક્તિથી અમને કહેતા કે આ પાના નંબર ખોલીને વાંચવાનું ચાલુ કરો.
આમ તેમની યાદશક્તિ અદ્ભૂત હતી. તેવો જ એક બીજો પ્રસંગ છે. તે જ્યારે પણ અમારે ઘેર આવે ત્યારે તે સામેથી અગાઉથી આપણને ચેતવે કે હવે નીચે ગટરલાઈનની નેક આવે તેથી સંભાળીને જવું પડશે. વળી ઘરના બધા જ સભ્યોના નામ તેમજ ઓળખીતાના ફોન નંબર તેમજ ક્યા વિષયના પુસ્તકમાં ક્યું ચેપ્ટર આપેલ છે તે સર્વે તેમની યાદશક્તિમાં નોંધાયેલું હતું.
વિદ્યાર્થીકાલ દરમ્યિાન તેઓ દરેક ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેતા. જેવી કે-મોજમસ્તી, રમતગમ્મત તેમજ અન્ય પ્રવૃતિ. દરેકમાં રસપૂર્વક ભાગ લેતા. આ દરેક પ્રવૃત્તિમાં તેમનું અંધત્વ આડે આવતું ન હતું.
માઉન્ટ આબુના પ્રવાસમાં પણ તે અમારી સાથે પહાડ ઉપર ચઢવામાં અને જુદા જુદા સ્થળો જોવામાં અમારી સાથે આનંદપૂર્વક મોજમસ્તી કરતા. ક્યાંય પણ તેમનું અંધત્વ આડે આવ્યું નથી. ઘણી બાબતોમાં તે અમારાથી ચડિયાતો હોય તેવું લાગતું હતું.
શાળા છોડયા પછી લગભગ 40 વર્ષ પછી પણ પારિવારિક સંબંધો લાગણીસભર રહ્યાં છે. આ ભાગદોડ વાળી જિંદગીમાં તે અંધ હોવા છતાં પણ પારિવારિક પ્રસંગોમાં ઉમળકાથી હાજર થઈ ગયેલ છે. તેમજ સુખ દુઃખના બિમારીના પ્રસંગે પણ સ્ફૃતિપૂર્વક હાજર રહેલ છે. આજે પણ ધમાલભરી જિન્દગીમાં સમય કાઢીને અમે એકબીજાને મળીએ છીએ.
ખાસ તો એમના ધર્મપત્ની શ્રીમતિ પ્રવિણાબહેન ધન્યવાદને પાત્ર છે. જીવનના દરેક ડગલ ને પગલે તેમણે સાથ અને હિંમત આપીને કદમ કદમ પે સહકાર આપે છે. અને અમારા મિત્ર ભાસ્કરરાય અંધ હોવા છતાં એક સાહસી તરીકે તેમણે તે વખતના તેમના જીવનસાથી બનવાનો નિર્ણય લીધો. અને તે આધુનિક યુગના સતી સાવિત્રી/સીતા જ ગણાય. એક મિત્ર તરીકે અમે
ક્યારેય ભાસ્કરની ફરિયાદ સાંભળી નથી.