જો આપણે અંધ કલ્યાણ કાર્યનો ભૂતકાળ વાગોળીયે તો નિઃસંકોચ યાદ આવશે કે સન 1959 થી અંધજન મંડળ મુંબઈએ (જે હવે બી. પી. એ. મુંબઈ) ભારતમાં શરૂઆત કરી. આ સ્પર્ધાઓ 60 અને 70 ના દશકમાં નિયમિતરૂપે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્તર પર યોજાતી રહી. સન 1979 માં આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ નિમિત્તે અખિલ ભારતીય બ્રેલ વાંચન અને બ્રેલ લેખન સ્પર્ધાનું આયોજન અંધજન મંડળ-મુંબઈ, અંધજન મંડળ, અમદાવાદ અને એન.એ. બી. (ઈંડિયા) નાં સંયુક્ત તત્ત્વાવધાનમાં અમદાવાદ ખાતે યાજાયેલું,
ભાસ્કર યોગેન્દ્ર મહેતા 60 નાં દશકમાં આ બ્રેલ વાંચન સ્પર્ધાઓમાં એક ઉત્સાહી સ્પર્ધક તરીકે નિયમિત રીતે ભાગ લેતો અને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં અચુક રીતે ઈનામો પણ મેળવતો.
70 ના દશકમાં આજ ભાસ્કર નિર્ણાયક તરીકે ભાગ ભજવતો થયો અને ત્યારથી જ અંધ સમાજનાં કાર્યકરો
ભાસ્કર યોગેન્દ્ર મહેતાએ એક હોંશિયાર બુદ્ધિશાળી અને સક્ષમ નેત્રહીન કાર્યકર્તા તરીકેની છાપ પાડી. પછી તો ભાસ્કર મહેતાએ નેત્રહીનોના કલ્યાણક્ષેત્રે ઊંડો રસ લઈ રાજ્ય સ્તરે, રાષ્ટ્રીયક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પ્રસિદ્ધિ મેળવી પોતાની આવડત અને કુશાગ્ર બુદ્ધિની અમીટ છાપ ઉપસાવી.
એન. એ. બી. (ઈંડિયા) એ પોતાની પહેલી છલ્લા શાખા સન 1979 નાં જૂન માસમાં રાજકોટ ખાતે સ્થાપી અને તે પછી પાંચ-છ વર્ષમાં જ ભાસ્કરની આગેવાની હેઠળ એન. એ. બી. ની સાબરકાંઠા જીલ્લા શાળા ઈડર ખાતે સ્થપાઈ જેનું નેતૃત્ત્વ આજ સુધી ભાસ્કર સારી રીતે સંભાળી રહ્યો છે. એન. એ. બી. સાબરકાંઠા જીલ્લા શાખા 1200 થી વધુ નેત્રહીન તેમજ વિકલાંગ બાળકોને સંકલિત શિક્ષણ પુરુ પાડે છે. જે માટે 60 થી વધારે ખાસ પ્રશિક્ષિત શિક્ષકોની નિમણૂંક કરાઈ છે. તે જ પ્રમાણે કોમ્યુનીટી બેસડ રીહેબિલિટેશન પ્રોગ્રામ, નેત્ર શિબિરો તેમજ બીજા વિવિધ જાતનાં પુનર્વસન કાર્યક્રમો ચલાવે છે. જેથી નેત્રહીન અને વિકલાંગ બાળકો સમાજનાં ઉપયોગી અંગ બની પોતાનું શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ પૂરી કરી પગભર થતા આવ્યા છે.
ભાસ્કરની આ બધી અંધ કલ્યાણ ક્ષેત્રની કારકિર્દીને ધ્યાનમાં રાખી એન. એ. બી. (ઈંડિયા) એ સન 1995માં જ્યારે ભાસ્કર માત્ર 45 વર્ષનો જ હતો ત્યારે એન. એ.બી. નો પ્રતિષ્ઠિત આર. એમ. અલ્પાઈવાલા પુરસ્કાર એનાયત કર્યો હતો. આટલી નાની ઉંમરે આવો નામાંકિત પુરસ્કાર મેળવનાર ભાસ્કર કદાચ એકલો જ હશે.
એન. એ. બી. સાબરકાંઠા જીલ્લા શાખાનાં કાર્ય સાથે ભાસ્કરની રુચિ એન. એ. બી. ગુજરાત રાજ્ય શાખાનાં કામમાં પણ વધતી ગઈ. એન. એ. બી. ગુજરાત શાળાની વિવિધ સમિતિઓનું અધ્યક્ષપદ અને માનદ્મંત્રીનો હોદો સંભાળી
એન. એ. બી. (ઈંડિયા) ની કારોબારી પર પણ ભાસ્કરની નિયુક્તિ 90 ના દશકમાં થઈ, માર્ચ 99 માં ભાસ્કર એન. એ. બી. (ઈંડિયા) નો આજીવન સદસ્ય થયો અને એન. એ. બી. ની ઘણી સમિતિઓ ઉપર જેમાં નેબરુરલ એકટીવીટસ કમિટીનું માનદ્ મંત્રી પદ સંભાળી પ્રશંસનીય કાર્ય કર્યું.
એન. એ. બી. (ઈંડિયા) ની 200૩ ની ચૂંટણીમાં ભાસ્કર સારા એવા મત મેળવી માનદ્મંત્રી તરીકે ચૂંટાયો અને 2007 ની ચૂંટણીમાં એન. એ. બી. (ઈંડિયા) નાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ એન. એ. બી. નાં કાર્યમાં બહુ જ ઉત્સાહપૂર્વક રસ લઈ પોતાની કામગીરી પાર પાડી રહ્યો છે.
હાલમાં ભાસ્કર મહેતા એન. એ. બી. નાં ઉપપ્રમુખ તરીકે નેબ ઈંડિયાની ગુજરાત રાજ્ય શાખા તેમજ નેબ મહારાષ્ટ્ર, નેબ રાજસ્થાન, નેબ કર્ણાટક, નેબ આંધ્રપ્રદેશ, નેબ તામિલનાડુ અને નેબ કેરાલા રાજ્ય શાખાઓનું માર્ગદર્શન કરી આ શાખાઓની પ્રગતિમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. એન. એ. બી. (ઈંડિયા) દર બે વર્ષે અખિલ ભારતીય સ્તરે બધી જ રાજ્ય શાખાઓનું સમ્મેલનનું આયોજન જુદા જુદા શહેરોમાં કરે છે. આવા એન. એ. બી. નાં સમ્મેલનો જે બેંગ્લોર, ગોવા અને ચેન્નાઈ ખાતે મળ્યા તેમાં ભાસ્કરે આગળ પડતો ભાગ લઈ એન. એ. બી. રાજ્ય શાખાઓને સચોટ રીતે માર્ગદર્શન પૂરું પાડયું.
તે સિવાય એન. એ. બી. ની ઘણી સમિતિઓ પર ભાસ્કર અધ્યક્ષપદે રહી પોતાની ફરજ બજાવે છે. જેમાં આર. એમ. અલ્પાઈવાલા પુરસ્કાર સમિતિ, સ્ટેટ બ્રાંચીસ કમીટી એજ્યુકેશન કમીટી, એલ. બી.એમ. આર.સી. કમીટી વગેરે વગેરે...
ભાસ્કર 23-9-2010ના રોજ પોતાનાં જીવનનાં અમૂલ્ય 60 વર્ષ પૂરા કરે છે એ નિમિત્તે તા. 26-9-2010નાં રોજ તેનો ષષ્ઠીપૂર્તિ મહોત્સવ ગાંધીનગર ખાતે ઉજવાઈ રહ્યો છે તો આ પ્રસંગે હું પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે ઈશ્વર ભાસ્કરને સારી તંદુરસ્તી અર્પે, ખૂબ લાંબી ઉંમર આપે અને આગામી ઘણાં વર્ષો સુધી અંધ કલ્યાણક્ષેત્રે ભાસ્કર પોતાની સુંદર અને અમૂલ્ય સેવા આપતો રહે જેથી ઉગતી પેઢીનાં અંધ ભાઈ બહેનોને એની સેવાઓનો લાભ મળે અને તેઓ પોતાનાં પગ ઉપર ઉભા રહી ભાસ્કર જેવું જ સમાજ ઉપયોગી કાર્ય કરવાની પ્રેરણા મેળવે.