અંગ્રેજીમાં એક કહેવત છે કે સમય અને સમુદ્રની ભરતી એ બંને ક્યારેય કોઈની રાહ જોતા નથી. સમયનાં આ નિરંતર વહેતા પ્રવાહમાં ભવિષ્યની પ્રત્યેક પળ વર્તમાનમાં પરીવર્તિત થઈ, બીજી જ ક્ષણે અતિતમાં સરી જતી હોય છે. એ ન્યાયે પ્રાધ્યાપકશ્રી ભૂ. પૂર્વ વિકલાંગ કમિશ્નર શ્રી ભાસ્કરભાઈ એક વખતનો તો બાળક ભાસ્કર તો હતો જ ને? તો ચાલો બાલ્યકાળની એક ઝલક પણ નિહાળીએ.
એ સમયે હું મારી જિંદગીની સફરનાં 10 વર્ષ પૂર્ણ કરી ચૂકી હતી. મેનેન્જાઇટીસનાં કારમે મારી નયન જ્યોત બુઝાઈ ગઈ અને મારાં શિક્ષણાર્થે મને અંધ કન્યા પ્રકાશ ગૃહમાં દાખલ થવાની ફરજ પડી. તે સમયે ભાસ્કરનાં પૂજ્ય માતુશ્રી અંધ કન્યાઓ માટે વાંચન કરી આપવાની સેવા આપી રહ્યા હતાં. તેઓ સ્વયં વાત્સલ્ય અને મમતાની સાક્ષાત્ મૂર્તિ જ છે. એમ કહેવામાં જરા પણ અતિશ્યોકિત ન કહેવાય; તેથી જ આજે પણ અમે તેમને “માઁ” ના નામથી સંબોધીએ છીએ. તેમની સાથે રામ-લક્ષ્મણની જોડી જેવા તેમનાં બે સંતાનો ભાસ્કર અને ગગન પણ આવતા. આમ 1962 માં ભાસ્કર ભાઈ સાથે મારી પ્રથમ મુલાકાત થઈ ત્યારથી નિયમિત મળવાનું થતું રહે છે. શાળાની અગાશીમાં સૌ સાથે મળી બાળ સહજ રમતો રમતાં ને
આનંદ કરતાં.
નાનપણથી જ ભાષ્કર સ્વભાવે નિડર, સાહસિક અને વડિલોને આદર સન્માન આપનાર છે. ભાસ્કર-ગગન ને કોઈ બહેન ન હોવાથી અમને સૌને બહેનો માની તેઓ રક્ષાબંધનનાં શુભ પવિત્ર દિને પ્રતિ વર્ષ અમારી પાસે રાખડી બંધાવતાં. અમે પણ ભાઈ-બહેનની સ્નેહસભર ભાવનાથી તેમને માટે મંગલ કામનાં વ્યકત કરતાં. આજે વર્ષોનાં વહાણાં વાયાં છતાં પરસ્પર એજ પવિત્ર સંબંધો જળવાઈ રહ્યા છે.
મારાં એસ. એસ. સી. નાં વર્ષ દરમિયાન ભાસ્કરભાઈ મને વિવિધ વિષયો શીખવતાં, સમજાવતાં, આમ એક ભાઈએ એક ગુરૂ તરીકેની ભૂમિકા ભજવી છે.
બ્રેઈલ લિપિ પર અભૂતપૂર્વ પ્રભુત્વ, કોઈપણ વિષયનો ખૂબજ ઊંડાણથી અભ્યાસ કરવો. છતા “બુક વોર્મ” તો
નહીં જ.
નેત્રહીન મહિલાઓ, ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી એક આગવી પ્રતિભા વિકસાવે એવા શુભ આશય થી મને તેમજ મારાં જેવી અન્ય દ્રષ્ટિહીન બહેનોને સ્નાતક અને અનુસ્નાતક સુધી પહોંચાડવાની બાબતમાં તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
નેત્રહિન મહિલા સશક્તિકરણ બાબતે પ્રવર્તમાન સમયમાં અંધ સંસ્થાઓનાં પ્રત્યેક સંચાલકો ખૂબ ગંભીરતાપૂર્વ ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે ત્યારે ભાસ્કરભાઈ આ દિશામાં કેટલાક નકકર પરિણામો લાવ્યા છે. તેની આપણે નોંધ લેવી ઘટે. માત્ર એક જ ઉદાહરણ જોઈએ તો યુવાવસ્થામાં અંધ બનેલી એક બહેનને તાલિમ અપાવી બ્રેઈલ લિપિ શીખવી તેમની જ સંસ્થામાં સહશિક્ષણ યોજના અંર્તગત શિક્ષિકા તરીકે નિમણુંક આપી એજ યોજનામાં કાર્યરત એક સનેત્ર શિક્ષક સાથે લગ્ન કરાવી પુનઃસ્થાપન કર્યું છે. આવા અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે.
અનેકવિધ સંઘર્ષોના પડકારો ઝીલીને જે જમાનામાં ચક્ષુહીનો ને સામાન્ય શિક્ષક તરીકે પણ માન્યતા ન મળતી તે કાળમાં પ્રાધ્યાપક તરીકે નિમણુંક મેળવવી કે પછી વિકલાંગ કમિશ્નરનાં સ્થાને પહોંચવું એ જીવનમાં નાની સિધ્ધિ ન કહેવાય. પરંતુ મેળવેલ હોદાઓની જવાબદારી અને કામગીરી સફળતાપૂર્વક પાર પાડી, એક નેત્રહીનમાં રહેલી ક્ષમતાઓનો પ્રત્યક્ષ પરીચય સામાન્ય સમાજને કરી બતાવ્યો છે એટલું જ નહીં પણ સાથે સાથે તેમનાં જેવા વિકલાંગ ભાઈ-બહેનોની અનેક વિધ સંસ્થાઓમાં મહત્વના સ્થાન પર રહી સફળ નેતૃત્વ પૂરૂં પાડતા રહ્યાં છે. મને પૂરી શ્રધ્ધા છે કે ભાસ્કરભાઈ ગમે તેટલા ઉચ્ચ સત્તાધિશ બનશે પણ
તેમનાં જેવાં વિકલાંગો માટે તો ભાસ્કર જ બની ને રહેશે.
સંસ્કૃતનાં ગહન અધ્યયને તેમનાં વ્યકિતત્વમાં કુલગુરૂ કાલીદાસે કહ્યું છે તેવી વેદાભ્યાસની જડતા
તેમણે તેમનાં જીવનમાં પ્રવેશવા દીધી નથી.
60 વર્ષની મજલ કાપી ચૂક્યાં છે ત્યારે ભાસ્કરભાઈ વિશે હું એટલું જ કહીશ કે એ સૂર્ય સ્વયં પ્રકાશે વિકલાંગ જગતને ઝળહળીત કરી રહ્યો છે, મધ્યાહન ના તાપથી દઝાડવાને બદલે પૂર્ણ કળા એ ખીલેલ ચંદ્રમાની શીતળતા પ્રસરાવે છે. એ તેની વિશિષ્ટતા છે.
પ્રભુ તેમને દીર્ઘકાળ પર્યંત સ્વસ્થ જીવન અને કાર્ય કરવાની શક્તિ અર્પે એ જ અભ્યર્થના.