“સફળ પ્રજ્ઞાચક્ષુ સંચાલક આપણી સાથે”

અંધ ક્ષેત્રમાં આવ્યાને મારા ત્રણ દસકા પૂરા થયા છે. અતીતમાં ડૂબકી મારી મારે સોનેરી મોતી વિણવાનો અમુલ્ય સમય પ્રાપ્ત થયો છે. ત્યારે હું આપને પણ મારી સાથે અતીતમાં લઈ જઉં.

શરૂઆતનાં દિવસોમાં હું ઘણી ઓછા મહાનુભાવોનાં સંપર્કમાં આવેલ હતી. ખાસ કરીને મારા પરમ આદરણિય ગુરૂ સ્વ. શ્રી હર્ષદભાઈ જોષી સાહેબનાં સંપર્કમાં વધારે હતી. હું ગણિત અને વિજ્ઞાનની શિક્ષક હોવાને નાતે તેઓશ્રી મને અવાર-નવાર ગણિત-વિજ્ઞાનનાં સેમિનારમાં ભાગ લેવડાવતા, એ જ રીતે શ્રી જોષી સાહેબે મને એક વખત ગણિત-વિજ્ઞાનનાં 15 દિવસનાં સેમિનારમાં 1988 માં ઈડર જવા અંગેની વાત કરી. ત્યાં તેમની સાથે રહીને ગણિત તથા વિજ્ઞાનનો અભ્યાસક્રમ બ્રેલમાં સહજ અને સરળ રીતે તથા આખા ગુજરાતમાં એક જ પધ્ધતિ અપનાવે તે માટે ગુજરાતભર માંથી વિષય શિક્ષકોને 15 દિવસની તાલીમ માટે સેમિનાર રાખેલ હતો. તે સમય દરમિયાન મારો પરિચય શ્રી ભાસ્કરભાઈ મહેતા સાથે થયો ત્યારે મેં તેમને ઈડરની સંસ્થાના સ્થાપક તથા માનદ્મંત્રી તરીકેની ખરી ઓળખાણ થયેલ. સફળ સંચાલકની ખરી પરખ મને ત્યારે જ થઈ ગઈ હતી. તે ઉપરાંત તેઓશ્રી સંસ્કૃતનાં પ્રોફેસર પણ છે તેની જાણ મને થયેલ. એક વડીલ તરીકેની છબી તે સમયે જ મારા મનમાં અંકીત થઈ ગયેલ.

તેમના આગળના પરિચય ત્યા વ્યક્તિત્વનો નિખાર જોતા જોતા એટલું તો હું અવશ્ય કહીશ કે ઈડરની સંસ્થા સ્થાપીને તેઓશ્રી બેસી નથી રહ્યા. સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ આજે જે સોળે કળાએ ખીલી ઉઠયો છે તે તેઓશ્રીની અથાગ મહેનત તથા કુનેહનું જ પરિણામ છે. આનો લાભ સર્વ વિકલાંગોજનોને મળ્યો છે. ઘણી વખત સેમીનારોમાં સાથે કામ કરતાં લાગ્યું કે તેઓશ્રી એક પૂર્ણ વ્યકિતત્વશાળી વ્યકિત છે. તેમના વ્યકિતત્વમાં ક્યાંય અંધત્વની ઉણપનો અણસાર સરખો વર્તાતો ન હતો. તેમની ઉત્તમ સંચાલન શક્તિમાં મુખ્ય પરિબળ તેમનામાં રહેલો અખૂટ આત્મવિશ્વાસ જ છે. એમ કહી શકાય કારણ કે તેમની સાથે કામ કરતાં કરતાં ઘણી વખત એવો અનુભવ થતો કે દેખતી વ્યકિત તરીકે આપણે સહેજ પણ જો પાછા પડીએ તો તેઓશ્રી તેમની આગવી મક્કમતા તથા મનોબળથી કોઈપણ કામ આસાન કરી દેતા હતા.

હાલમાં તેઓશ્રી અનેક સંસ્થાઓના હોદ્દાઓને શોભાવી ખુબ જ કુશળતા પૂર્વક કાર્ય કરે છે. અને ભૂતકાળમાં પણ અનેક સંસ્થાઓમાં સેવાકીય તથા જાહેર હિત માટે કાર્ય કરી કુશળતા પૂર્વક બધા જ કાર્યો પાર પાડી આજે પણ સન્માનીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

ગગન તો આખું તારાઓથી છવાયેલું છે. તારાઓનાં સાગમટા ટોળામળીને “આકાશ ગંગા” નું નામ પામે છે. આ તો એક માત્ર તારો છે. કે જે ગગન સહિત સારી પૃથ્વીને પ્રકાશિત કરે છે. વિકસીત રાખે છે. સાથે સાથે જીવન બક્ષે છે. અને તે છે “ભાસ્કર” જે દિનની ગરમી અને રાતની મીઠી નિંદરમાં પ્રવૃત જગતને ઝબોળી દે છે.

દુનિયામાં અજાયબીઓ તો ગમે તેટલી હોય. સાત હોય કે પછી અનેક... આપણને મળેલી અજાયબીઓ કેવી? અને કેટલી? તેનો જીવંત દાખલો એટલે કે... સફળ સંચાલક શ્રી ભાસ્કરભાઈ મહેતા. આ વાતની સાક્ષી તો તેમની ખુદની આ સાત અજયાબીઓની ગણતરી કરતાં જ મળી જવાની છે ને?

(1) સ્પર્શવું (2) સ્વાદ પારખવો (3) જોઈ શકવું... (આંતર ચક્ષુ દ્વારા) (4) બોલી શકવું (5) સાંભળી શકવું

(6) દોડી શકવું (7) હસવું અને ચાહવું પ્રેમ કરવો.

તેઓશ્રીએ અંધ જગતનાં અદની વ્યકિતઓને ભરપુર પ્રેમ આપ્યો છે અને તેમને મળેલ અત્રે પ્રસ્તુત કરેલ પ્રત્યેક હોદ્દાની રૂએ પોતાની આગવી શક્તિનો ભરપૂર ઉપયોગ કરેલ છે. તેઓશ્રી સાચા અર્થમાં સફળ સંચાલક બન્યા છે. આ કાર્યનાં સન્માન રૂપે સરકારશ્રી એ તેઓશ્રીને ત્રણ વર્ષ માટે ગુજરાત રાજ્યનું વિકલાંગ વ્યકિતઓ માટેના કમિશ્નર તરીકે નીમણુંક કરી હતી. તે સમય દરમ્યાન બની શકે તેટલો બધો જ સમય તેઓશ્રીએ વિકલાંગ વ્યકિતનાં તમામ કાર્યો કરવામાં પસાર કર્યાં, ત્યારે રજા કે વધારાના સમય કે કોઈ બાબતનો વિચાર કરેલ નથી. આખા ગુજરાતમાં તેઓશ્રી જતા અને પોતે ખુદ પ્રશ્નોનું નિરાકરણ કરી ત્યારબાદ પોતે ખુદ મુલાકાત લેતા. આ રીતે વિકલાંગ વ્યકિતઓનાં દિલ જીતી લીધાં હતાં.

આવા સફળ પ્રજ્ઞાચક્ષુ સંચાલક આપણી સાથે આજે પણ છે તે ખૂબ ગૌરવની વાત છે તેઓશ્રી ખૂબ જ સારી રીતે

હજુ પણ કાર્ય કરતા રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના....

ટીપાય તો મૃણ્મય ઘાટ થૈ શકે

દટાય તો વૃક્ષ બીજ બની શકે

સુકાય તો બિંદુ નભે ચડી શકે

સમર્પણે માનવી દેવ થૈ શકે...

દેશ માટે, સમાજ માટે અને જગતનાં કલ્યાણ માટે કષ્ટ સહન કરી ઘસાયને ઉજળા થાય તે જ દેવ સ્વરૂપે સ્વીકારાય... ખરા અર્થમાં દેવ સમા કાર્ય કરતા રહે તેવી શુભકામના સાથે મારી કલમને વિરામ આપુ છું.

એક મારા વડીલને સપ્રેમ અર્પણ.

- ઉષાબેન ચાવડા
પ્રિન્સીપાલ, અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર, અમદાવાદ