પોતે જ જ્યાં નેત્રહીન-વિકલાંગ હોય, ત્યાં બીજાની સેવા કે વિકાસ કે પ્રગતિમાં સહયોગ શું આપી શકે? ખરેખર, જેને બીજાની મદદની જરૂર હોય તે વળી વિકલાંગ સમાજની સેવા શું કરી શકે? પોતે જ જ્યાં અંધાપાને કારણે રડતો હોય તે વળી બીજા ને શું હસાવી શકે?- આ વિધાનને ખોટુ સાબિત ઠરાવનાર ગુણવંતી જય જય ગરવી ગુજરાતના અમદાવાદ શહેરમાં તા. 23-09-1950 ના શુભદિને પિતાશ્રી યોગેન્દ્રરાય અને માતુશ્રી રંભાબેનની કુખે જન્મધારણ કરનાર પ્રો. ભાસ્કરભાઈ મહેતા માટે આ લેખ લખતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવુ છું.
ભાસ્કરભાઈએ શારીરિક ન્યૂનતા-અંધત્વના પડકારને ઝીલીને નવરંગપુરા અંધશાળામાં શિક્ષણનો પ્રારંભ કર્યો. તેઓ નાનપણથી જ ભણવામાં તેજસ્વી હતા. અને મેટ્રિકમાં ઉચ્ચ ટકાવારી સાથે પાસ થઈ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત વિષય સાથે બી. એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી એમ. એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુજરાતના પ્રથમ નેત્રહીન ખંડસમયના પ્રાધ્યાપક તરીકે પ્રાંતિજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નોકરી શરૂ કરી અને એમ કહી શકાય કે ભાસ્કરભાઈએ પોતાની યોગ્યતા અને લાયકાતને સાબિત કરી ગુજરાતમાં શિક્ષકો અને પ્રાધ્યપકોની નોકરીના નેત્રહિનો માટે દ્વાર ખોલ્યા.
વર્ષો જૂની ભાસ્કરભાઈ સાથેની મિત્રતામાં મને તેના હસવાના અને હસાવવાના અનેક અનુભવો થયા છે. તેઓ પોતાની ભૂલ સ્વીકારવામાં કદાપિયે નાનપ અનુભવતા નથી. સામેનાના દુઃખ અને અકળામણરૂપી કાંટાને સહજતાથી અને સમજણપૂર્વક દૂર કરી તેને હળવુ ફ્લુ બનાવી જીવનમાં હાસ્ય પાથરવાનો ભાસ્કરભાઈનો સિધ્ધાંત દરેક માટે પ્રેરણાદાયી બન્યો છે.
ભાસ્કરભાઈએ પોતાના જીવનમાં વ્યકિતગત કે કૌટુંબિક બાબત હોય કે વિકલાંગ સમાજની સમસ્યા હોય. ખૂબ જ દુઃખદ કે ચિંતિત કે ગંભીર કારણો હોય તેઓએ કદાપિયે હતાશા કે નિરાશા અનુભવી નથી. મને આ લેખ લખતાં લખતાં ભાસ્કરભાઈના જીવનમાં બનેલી ઘટનાઓનાં ઉદાહરણ ચોક્કસ યાદ આવે છે.
એક સમયે ભાસ્કરભાઈ અને તેમના પત્ની એસ. ટી. બસમાં મુસાફરી કરતાં હતાં ત્યારે કંડકટરે બધા મુસાફરોની હાજરીમાં ભાસ્કરભાઈને કહ્યું કે આ લુખ્ખીને લઈને ક્યાં રખડે છે? તેના પ્રત્યુત્તરમાં કંડકટરને ભાસ્કરભાઈએ નમ્રભાવે જવાબ આપ્યો કે “આ મારી લુખ્ખી નથી, આ મારી ધર્મપત્ની છે. હા, ચોક્કસ, તારે ત્યાં લુખ્ખી જરૂર હશે!” લુખ્ખા લોકોને તો બધે લુખ્ખી જ દેખાયને? તમે એક જવાબદાર કંડકટર થઇને મુસાફરો સાથે આ રીતનું વર્તન કરો એ યોગ્ય નથી. ભાસ્કરભાઈની આ વાત સાંભળીને બસમાં બેઠેલા મુસાફરો હસતા હસતા કંડકટરને તિરસ્કાર સાથે ઠપકો આપવા લાગ્યા.
પ્રો. ભાસ્કરભાઈ જ્યારે ઓફિસના કામકાજમાં હોય કે સંસ્થાના કામકાજમાં હોય, સંમેલનમાં હોય-મિટિંગમાં હોય કે કોલેજના વર્ગખંડમાં હોય, સામાજિક પ્રસંગમાં હોય કે વ્યાવહારિક પ્રસંગમાં હોય હંમેશા તેઓ હસતા અને હસાવતા રહેતા.
ખૂબ કામના બોજાને દૂર કરવાની દવા એટલે ભાસ્કરનું હસવું-હસાવવું. ભલે ભાસ્કર પોતે હસે અને હસાવે પરંતુ પોતાની કે બીજા વિકલાંગોની જિંદગીને હંમેશાં હાસ્યાસ્પદ બનતી અટકાવે છે. અને પ્રત્યેક વિકલાંગ ભાઈ-બહેનોની સમસ્યાઓને પોતાની સમજી તેના નિરાકરણ માટે હંમેશા તત્પર રહી હકારાત્મક પ્રયત્નો કર્યા છે. ભાસ્કરભાઈ પોતાનું જીવન વિકલાંગ સમાજના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત કરતા આવ્યા છે. ભાસ્કરભાઈએ અનેકવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સભાઓ અને સંમેલનોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અને સરકાર સમક્ષ નીડરતાથી વિકલાંગોની
સમસ્યાઓ બાબતે રજૂઆત કરી છે. તથા વિકલાંગોના હિતમાં અંદર કાર્યો કર્યા છે. અને વિકલાંગોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તેમજ સમાજમાં સ્વમાનભેર જીવન જીવવા માટેની ઉમદા પ્રેરણા આપી રહ્યા છે.
ભાસ્કરભાઈ હંમેશાં હસતા રહે અને બીજાને હસાવતા રહે અને સમાજસેવાના કાર્ય કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છા