વિકલાંગોનો પરિચય જાહેર જીવનનાં પ્રવેશ બાદ થયો છે. કેટલાંય સ્મૃતિપટ પર છે. અને ઘણાંય સ્મૃતિપટમાંથી વિદાય લઈ ચુકયા છે. બહુ થોડા સ્મૃતિપટ પર ચિરંજીવ છે. એમાંના એક છે પ્રોફેસર ભાસ્કર મહેતા.
એક મળવા જેવા, માણવા જેવા મિત્ર, પ્રથમ મુલાકાતે જ મિત્ર થયેલા. અંધજન મંડળના એક કાર્યક્રમમાં ટુંકી મુલાકાત આજદિન સુધીની મિત્રતાનું પરિણામ છે.
સંસ્થાકીય કામકાજ કે અન્ય કાર્યક્રમોમાં તેઓ જરૂરથી અચૂક મળતાં, ખૂબજ પ્રેમપૂર્વક બોલાવતાં, હાથ મિલાવતી વખતે સ્પર્શનો પ્રેમ જે અનુભુતી આપતો તે કદાચ બીજા મિત્રોના સ્પર્શમાં ઓછો હતો. ઘણા બધાં ગુણોથી સંપન્ન એવા ભાસ્કરભાઈનું પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટેનું યોગદાન પ્રશંસનીય અને પ્રેરણાદાયક રહેલું છે. પરંતુ જ્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ વિકલાંગ વ્યકિતઓ માટેના કમિશ્નર તરીકે નિમણુંક પામ્યા તે એક ઈતિહાસ બની ગયો. અને ત્યારે પ્રજ્ઞાચક્ષુ (VI) ઉપરાંત અસ્થિ વિષયક (હાડકાંની ક્ષતિ OH), મૂક બધિર (HI), મંદબુધ્ધિ (MR/MI) અને અન્ય ક્ષતિઓ ધરાવતાં વ્યકિતઓના કાર્યમાં જે નિપુણતાથી કાર્ય કર્યું છે તે શ્રેષ્ઠત્તમ રહ્યું છે. જેમણે અન્ય વિકલાંગોને ક્ષતિ કે તકલીફોનું ફકત વર્ણન સાંભળ્યું હોય, તેમ છતાં તેઓની તકલીફ જાતે જ અનુભવી હોય તેવું તેમનું વર્તન હતું. ક્યાંય કોઈનેય અન્યાય ન થાય, તેમ છતા નિયમોનું ઉલ્લંઘન પણ ન થાય તેવું તેઓ ખાસ ધ્યાન રાખતા હતા. અપંગ વ્યક્તિઓ સાથે કુનેહપૂર્વક કાર્ય કરતાં અને તેમની લાગણીઓનું પણ ધ્યાન રાખી સફળતાપૂર્વક વહીવટ કરવાની તેમની આવડત કાબિલેદાદ હતી. વહીવટ તો આજ પણ તેમનો તારીફ માંગે તેવો જ છે.
કમિશ્નરશ્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન કોઈને પણ રૂબરૂ મુલાકાત ન મળી હોય તેમ નથી બન્યું. કોઈ ખોટા આડંબર વગર નિખાલસ વાતો તેઓ કરતાં, શાંતિથી સાંભળતાં, ઘણી વખત કોઈની ખોટી રજુઆત હોય તો પણ શાંતિથી સાંભળીને તેને યોગ્ય રીતે ન્યાય આપતાં. તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિવાળા માટે ભેદભાવ રાખ્યો નહતો. કોઈપણ સંસ્થા માટે વહાલા દવલાની નિતી અપનાવી ન હતી. ખૂબ જ કાર્યરત હોવા છતાં મોટાભાગની સંસ્થાઓના નિમંત્રણને માન આપીને તેઓ કાર્યક્રમમાં જરૂર જતાં. તેઓ ક્યારેક મુંબઈ, દિલ્હી, અમદાવાદ તથા પરદેશની મુલાકાતોથી થાકેલ હોવા છતાં રૂબરૂ મુલાકાત વખતે ક્યારેય કંટાળો અનુભવેલ નથી. સવારથી ખુશનુમાં મુડવાળા ભાસ્કરભાઈ સાંજે કચેરી છોડતી વખતે પણ સવારના
મુડવાળા જ દેખાતા હતાં. આ એમની સફળતાનું રહસ્ય છે એમ હું માનું છું.
કમિશ્નરશ્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન મોટાભાગના વિકલાંગોને, કર્મચારીઓને ન્યાય મળેલ છે. જેમાં કોલેજમાં એડમીશન, છપીએસસીમાં અનામત, પોષ્ટ ગ્રેજ્યુએસનમાં એડમીશન, બેંક કર્મચારીની બદલી કે અન્ય કર્મચારીને નોકરીમાં થતા અન્યાયને ન્યાય અપવાવો, કેટલાક કિસ્સામાં બે વિકલાંગો સામસામે હોય તેમ છતાં બન્નેને સરખો ન્યાય અપાવવાની તેમની આવડત વખાણવી પડે તેમ છે.
કોઈપણ સંસ્થાના જાહેર કાર્યક્રમમાં તેમની સ્ટેજ પરની હાજરીથી જ ઉત્સાહ આવી જતો. પછી તે વિકલાંગોની રમતસ્પર્ધા હોય કે હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, વિષયોચિત ઉદબોધન કરવું તે તેમની
લાક્ષણીકતા છે. સંસ્કૃતમાં માહેર એવા ભાસ્કરભાઈનો અન્ય ભાષા પરનો કાબુ પણ જબરજસ્ત છે. તેમના મેમરી પાવર અંગે લખવા માટે શબ્દ શોધી શકાય તેમ નથી. અંગત મિત્રો આગળ અંગત વાત પણ કહેવામાં તેઓ સંકોચ નથી અનુભવતા એવું હું મિત્ર તરીકે અનુભવી ચુકયો છું. સદાય વિકલાંગોના પુનઃસ્થાપન, પુનરોધ્ધાર તથા સહાયરૂપ થવાની વાતો કરતાં આવા મિત્રને “દરેકનો હમદર્દ” કહેવા યોગ્ય લેખાશે. ષષ્ઠીપૂર્તિ પ્રસંગે અંતરની શુભકામના, શુભેચ્છા સહ....