ગુજરાતનાં ઇતિહાસમાં ભાવનગરે એક અલગ ભાત પાડતું વિશિષ્ટ પ્રકારનું સ્થાન અંકિત કર્યું છે. ભાવનગરની વિશેષતા તેની ભાવુકતા અને સંસ્કાર પ્રિયતામાં રહેલી છે. ભાવનગર ગુજરાતનું ગૌરવવંતુ સંસ્કારધામ છે. ગુજરાતની ઉજજવળ સંસ્કાર પરંપરામાં તેનું પ્રદાન પ્રથમથી જ ઉલ્લેખનીય રહયું છે. તેની ભાત ભાસ્કરભાઇમાં સ્પષ્ટ પણે પડી હોય તેમ જણાય છે.
ભાસ્કરભાઇના પિતાશ્રી યોગેન્દ્રભાઇ હિંમતભાઇના એક કર્મનિષ્ઠ પુત્ર હતા. શ્રી હિંમતરાય દોલતરાય મહેતાનો ભાવનગરમાં બહુ મોટો કાપડનો વ્યવસાય હતો. પિતાના કાપડના વ્યવસાયમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો. ધીમે-ધીમે પરિવારના ગુજરાનની જવાબદારી શ્રી યોગેન્દ્રભાઇના શીરે આવતી ગઇ. પેઢી દેવામાં ડૂબી. પરંતુ પિતા હિંમતરાય દોલતરાય મહેતાએ સઘળુ દેવુ ચુકવી આપ્યું. બાદમાં શ્રી યોગેન્દ્રભાઇ નોકરી માટે ભાવનગરની ગોધરા ઇલેકટ્રીક કંપનીમાં જોડાયા. ત્યારબાદ તેઓ નોકરી અર્થે અમદાવાદમાં મોઇસ ટ્રાન્સપોર્ટમાં જોડાયા, ઠીક-ઠીક ગાડુ ચાલવા લાગ્યું. આર્થિક રીતે પરિવાર બહું
સામાન્ય. આ દરમ્યાન માં 1950 માં 23 સપ્ટેમ્બરનાં રોજ શ્રી ભાસ્કરભાઇનો જન્મ થયો. જન્મથી અંધત્વ હોવાને કારણે માતા રંભાલક્ષ્મી અને પિતા યોગેન્દ્રભાઇ પર એક વધુ દુઃખનો પહાડ પડયો. ધીમે-ધીમે માતાનું વાત્સલ્ય અને પિતા યોગેન્દ્રભાઇની હુંફ મળવાને કારણે બાળકમાં સામાન્ય બાળાની જેમ નવુ-નવુ જાણવાનો તરવરાટ અનુભવવા લાગ્યો. બાલ્ય અવસ્થાથી ભાસ્કરભાઇ કુશાગ્ર બુધ્ધિવાન અને નવું નવું જાણવાની રસ-રુચિવાળા હતા. અવાર-નવાર તેઓ પિતા સાથે ભાવનગર દાદા હિંમતરાયને ત્યાં આવે, દાદાનું મકાન ઇન્જામાતાનાં મંદિર પાસે, દિવાનપરામાં આવેલું હતું. આજે આ વિસ્તાર શહેરનો ઘણો જ વ્યવસાય ક્ષેત્રનો પ્રચલિત અને ગીચ છે.
મિત્રો નવાઇની વાત તો એ છે કે ભાસ્કરભાઇનું મોસાળ પણ ભાવનગરમાં છે. એટલે ભાસ્કરભાઇ માટે ભાવનગરની સાથેનો બેવડો સંબંધ છે. શ્રી ભાસ્કરભાઇને રાજકીય વિદ્યા અને નેતૃત્વના પાઠ પોતાના પરિવારમાંથી જ શીખવા મળ્યા છે. તેમના મામાનો દિકરો શ્રી દિગંત ઓઝા ભાવનગરનાં ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતા. એટલુ જ નહી તેમણે ભાવનગરના વિવિધ પ્રશ્નોના ઉકેલમાં જે પોતાનું આગવું પ્રદાન અર્પણ કર્યું હતું તેને ભાવનગરની જનતા આજે પણ યાદ કરે છે. જો કે આ નાગર પરિવારની સેવાક્ષેત્રની આગવી રૂચી ગણી શકાય. કારણ કે ભાસ્કરભાઇએ પણ સૌ પ્રથમ નેત્રહીનો અને ત્યારબાદ અન્ય
વિકલાંગો માટે જે કાર્ય કર્યુ છે તેને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. અભ્યાસ પૂર્ણ કર્યાબાદ 1976 માં શિક્ષણનો જ વ્યવસાય સ્વીકારી પ્રાંતિજ ખાતે ખંડ સમયના પ્રા. તરીકે, ત્યારબાદ અમદાવાદ ખાતે પૂર્ણ સમયના પ્રા. તરીકે પોતાની વ્યાવસાયિક કારકીર્દિ શરૂ કરી.
1976 માં શિક્ષણ પુરૂ કર્યા પછી 1983 માં ભાસ્કરભાઇએ ઇડરને પોતાની કર્મભૂમિ બનાવી. ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક તરીકે તેઓની નિયુકિત થઇ. સૌ પ્રથમ ભાસ્કરભાઇએ શ્રી પ્રફુલભાઇ વ્યાસ અને મિત્રો સાથે મળી અંધ શિક્ષકોનાં પ્રશ્નોનાં ઉકેલ માટે અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘની રચના કરી. ત્યારબાદ સ્વર્ગસ્થ શ્રી જગદિશભાઇ પટેલનાં માર્ગદર્શન અને તેના નેતૃત્વ નીચે ઇડરમાં સાબરકાંઠા જીલ્લાની રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખા 1985 માં શરૂ કરવામાં આવી. જેના સામાન્ય મંત્રી તરીકેની જવાબદારી શ્રી ભાસ્કરભાઇ આજ દિન સુધી અદા કરી રહયા છે.
શ્રી ભાસ્કરભાઇનો ભાવનગર સાથેનો સંબંધ જેટલો ગાઢ છે તેટલો ગાઢ સંબંધ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા સાથે પણ છે. તેમણે શાળાનાં વિકાસમાં હંમેશા યથાયોગ્ય સહયોગ પુરો પાડયો છે. નાના-મોટા પ્રશ્નોના ઉકેલમાં પણ અંગત રસ લઈ વિદ્યાર્થીઓથી માંડી કાર્યકરો સુધી માર્ગદર્શન પુરૂ પાડયુ છે. ભાસ્કરભાઇ વિકલાંગ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ અંગત રસ લઇ વિદ્યાર્થીઓમાં ઉદ્ભવેલ અસંતોષ અને કેટલાક પ્રશ્નોનાં ઉકેલ માટે કુનેહ પૂર્વક શાળાને સહયોગ પુરો પાડયો હતો. જે વાત મને યાદ આવતા ભાસ્કરભાઇ માટે ગૌરવ થાય છે. 2005 માં તેઓ જ્યારે વિકલાંગ કમિશ્નર તરીકે નિયુકત થવાના
હતા ત્યારે તેની ઘોષણા સૌ પ્રથમ ભાવનગરમાં 1-મેં ગુજરાત-ડે ઉજવણી પ્રસંગે આ શાળામાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી હતી. જે અમારા માટે એક યાદગાર દિવસ હતો. રાજ્યનાં સૌ પ્રથમ વિકલાંગ કમિશ્નર મૂળ ભાવનગરના વતની એવા ભાસ્કરભાઇ મહેતાની નિયુકતી થઇ તે અમારા માટે ઘણી ખુશીની વાત છે. શાળા સાથેના
તેમનાં સંબંધો અને વતન પ્રત્યેનો પ્રેમ હંમેશા સૌ કોઇને યાદ રહેશે.
જે કે મારો પરિચય ભાસ્કરભાઇ સાથે ઘણો જુનો છે. હું ભાસ્કરભાઇને લગભગ 1990 ની આસપાસથી વ્યકિતગત રીતે ઓળખું છું. 1993-94 માં સાબરકાંઠા એન.એ.બી. જીલ્લા શાખા દ્વારા ઇડર મુકામે યોજાયેલ નેત્રહીન નાટ્ય મહોત્સવમાં મેં હાજરી આપી હતી. તેમની સંસ્થા દ્વારા આ સ્પર્ધામાં રજુ કરાયેલ નાટય ' ' કૃષ્ણ સાથે એક કલાક” આજે પણ મને યાદ છે. એ ભજવાયેલ નાટકના પાત્રોનાં સંવાદો આજે પણ કાને ગુંજી રહ્યા છે. ભાસ્કરભાઇના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ અને તેમની સંસ્થાનાં કલાકારો દ્વારા ભજવાયેલ આ નાટક પ્રથમ વિજેતા બન્યું. અને તેમાંથી પણ મને ઘણી પ્રેરણા મળી. આ પ્રેરણાના કારણે મેં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળાનાં માનદ્ મંત્રી તરીક વિદ્યાર્થીઓ પ્રત્યે અંગત રસ લઇ નાટક પ્રત્યે રૂચી કેળવાવી અને અમારી સંસ્થાને પણ નાટયક્ષેત્રે 3-3 વખત ટોચની સિધ્ધી પ્રાપ્ત થઇ, તેમાં પણ હું ભાસ્કરભાઇ તરફથી મળેલી પ્રેરણાને જ યશ આપવા માંગુ છું.
મિત્રો શ્રી ભાસ્કરભાઇએ પ્રેરણા તો પુરી પાડી છે, પરંતુ સાથેસાથે નાના-મોટા યોજાતા કાર્યક્રમોમાં પ્રેરક હાજરી પણ આપી છે. વર્ષ 1995 માં યોજાયેલ 12 મી અખિલ ગુજરાત માઝા નેત્રહીન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્રી ભાસ્કરભાઇએ હાજરી આપી હતી. રાત્રીનાં યોજાતી ચર્ચાગોષ્ઠીમાં તેમણે ખેલાડીઓને અને કાર્યકરોને મીમીક્રી દ્વારા જે હાસ્ય પુરૂ પાડયુ હતું અને રસતરબોળ કર્યા હતા તેનું સ્મરણ આજે પણ તાજુ છે.
આ ટૂર્નામેન્ટ દરમ્યાન તેમન. અલ્પાઇવાલા એવોર્ડ પ્રાપ્ત થવા બદલ સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. શ્રી ભાસ્કરભાઇ એ વર્ષ 1997 માં યશવંતરાય નાટ્યગૃહમાં યોજાયેલી અખિલ ગુજરાત નાટય મહોત્સવમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થીત રહી નેત્રહીન કલાકારોને પ્રેરણા પુરી પાડી હતી. શ્રી ભાસ્કરભાઇ ભાષાના પ્રાધ્યાપક હોવાના નાતે તેમની મીઠી અને માર્મિક વાણીનો લાભ કાર્યક્રમ દરમ્યાન ભાવેણાની જનતાને મળ્યો હતો. આ ઉપરાંત વર્ષ 1999 માં રાજ્ય કક્ષાનો યોજાયેલ નેત્રહીન રમતોત્સવમાં પણ ભાસ્કરભાઇ ખાસ ઉપસ્થિત રહયા હતા. વિદ્યાર્થીઓની નાની-મોટી સિધ્ધિઓમાં ભાસ્કરભાઇ હંમેશા
અંગત રસ દાખવે છે. તેઓ હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં માને છે. તેમનાં આ ઉમદા સ્વભાવ અને ગુણોને લઇ તેમની ઉપસ્થિતી એક હંમેશા ઉત્સાહ જનક અને ઉષ્માં પાડનાર નિવડે છે.
જ્યારે એન.એ.બી. ઇન્ડિયામાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ચુંટાઇ આવવા બદલ સંસ્થા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી ભાસ્કરભાઇએ આ પ્રસંગે પોતાના શબ્દોમાં જ કહયું કહતુ કે હું મૂળ ભાવનગરનો છું તેથી મારૂ ભાવનગર પ્રત્યેનું સ્વાભાવિક આકર્ષણ રહે છે. વળી, મારૂ મોસાળ પણ ભાવનગરમાં છે એટલે જ્યારે અહીં આવુ છું ત્યારે પહેલી કહેવત હંમેશા યાદ આવે, “મોસાળે વિવાહ અને મા પીરસણા” એટલે કે ભાવનગરમાં જ્યારે આવુ ત્યારે મારા ભાવનગરની સંસ્થા એક યા બીજી રીતે મારી
સિધ્ધિઓને હંમેશા બિરદાવે. મને આ સંસ્થાનું અતિ ગૌરવ છે. તેમણે વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસમાં ઘણી
જ નોંધપાત્ર સિધ્ધિઓ મેળવી છે.
ભાસ્કરભાઇ ભાષાના પ્રાધ્યાપક ચાર-ચાર ભાષાઓનું પ્રભુત્વ અને નાગર હોવાના નાતે વાણી પરનો તેમનો કમાન્ડ સૌ કોઇને તરબતર કરી દે તેવો છે. જટીલમાં જટીલ ગણાતા પ્રશ્નોના ઉકેલમાં તેમની ભાષા હંમેશા રામબાણ સમાન નીવડી છે. તેઓએ ઉચ્ચારેલા શબ્દો કદી નકામાં જતા નથી. વિકલાંગ કમિશ્નર તરીકે તેમણે ઘણી નોંધપાત્ર કહી શકાય તેવી કામગીરી પોતાના સમયકાળ દરમ્યાન નિભાવી છે. માત્ર તેમનું એક ઉદાહરણ જે ભાવનગર જિલ્લા સાથે સબંધ ધરાવે છે એટલા માટે હું અહીં ઉલ્લેખ કરવાનું ઉચિત સમજુ છું.
ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના વતની શ્રી ચંદુભાઇ લલ્લુભાઇ ચૌહાણ જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. નોકરી દરમ્યાન 31 ડિસેમ્બર -1994 ના રોજ તેઓ એકાએક અંધત્વના ભોગ બન્યા. પરિણામે તેઓ ફરજ બજાવવામાં મુશ્કેલી અનુભવવા લાગ્યાં. આવેલ અંધત્વના કારણે તેમને નોકરી પરથી દૂર કરવામાં આવ્યા. 1995 માં અસ્તિત્વમાં આવેલ વિકલાંગ ધારો 1995 ની કલમ 47 મુજબ ફરજ દરમ્યાન વિકલાંગતા આવે તો તેમની ક્ષતિના કારણે નોકરીમાંથી દૂર કરી શકાતા નથી આ માટે કાયદો અસ્તિત્વમાં આવ્યો હોવા છતા કાયદાની અજાણતાને કારણે એક વિકલાંગ વ્યકિત એકા એક બેકાર બને છે. તેમના પર જાણે દુઃખનો ડુંગર પડયો હોય તેમ સૌ કોઇ તેમનાં તરફથી મો ફેરવી લે છે. પરંતુ 2005 માં વિકલાંગ કમિશ્નર તરીકે નિયુકત થયેલ શ્રી ભાસ્કરભાઇ મહેતાના ધ્યાન પર આ કેસ આવતાં વિકલાંગ ધારાની કલમ 62 થી સત્તા અન્વયે ચૌહાણ ચંદુભાઇ લલ્લુભાઇની ફરિયાદ દાખલ કરી શ્રી ભાસ્કરભાઇએ
સુનવણી કેસ નં.216/2006 થી ચુકાદો આપી અન્યાય પામેલ વિકલાંગ કર્મચારી ચૌહાણ ચંદુભાઇ લલ્લુભાઇને પુનઃ નોકરી પર લેવા હુકમ કર્યો. ભાવનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સંબંધીત કચેરીઓમાં દોડધામ મચી ગઇ. લગભગ 10 વર્ષ ફરજ પરથી દુર રહેલ કર્મચારીને પુનઃ નોકરી પર દાખલ કરવાનો હુકમ અધિકારીઓ કોઇ પ્રશ્ન ઉઠાવે તે પહેલાં તેનો ઉપાય પણ ભાસ્કરભાઇએ આપ્યો. શ્રી ચંદુભાઇ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે બ્રેઇલ લીપી અને ઓરીએન્ટેશન એન્ડ મોબિલિટીની તાલીમ આપવાનું કામ એન.એ.બી. ભાવનગર જીલ્લા શાખાને વિકલાંગ કમીશ્નર કચેરી દ્વારા સોંપવામાં આવ્યુ જે કામ એન.એ.બી. ભાવનગર જીલ્લા શાખાએ સફળતા પૂર્વક પૂર્ણ કરી શ્રી ચંદુભાઇ યોગ્ય શિક્ષણ પુરૂ પાડી શકે તેમાં સહાય પુરી પાડી છે. આવા અનેક ઉદાહરણો પોતાના કાર્યકાળ દરમ્યાન શ્રી ભાસ્કરભાઇએ પુરા પાડયા છે. આવા નિષ્ઠાવાન અને આગવી
કોઠાસુજ ધરાવનાર ભાસકરભાઇને હાર્દિક અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવું છું.
સંસ્થાના કોશિક સામાયિકમાં ભાવનગરની પી.એન.આર. સોસાયટી સંચાલિત નટરાજ રિસર્ચ એન્ડ ટ્રેઇનીંગ કોલેજમાં તા.12 જુલાઇ 2006 ના રોજ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નો) સ્ટડી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શ્રી ભાસ્કરભાઇએ ઉદ્બોધન આપ્યું હતું. તેના કેટલા પ્રેરક વાકયો જોઇએ “તમે એવા શિક્ષક બનો કે તેમને જીવતા તો સૌ યાદ કરે પણ તમારા ગયા પછી પણ સમાજ અને તમારા વિદ્યાર્થીઓ તમને અચૂક યાદ કરે, વિદ્યા વાપરશો એટલી વધશે, ભારતીય સંસ્કૃતિ એવી છે કે શીખો અને શિખવો, જીવો અને જીવવા દો, ભોગવો અને ભોગવવા દો...” આજે આપણા સમાજે પણ વિકલાંગોની
જરૂરીયાતો અને પડકારોને સમજવાની જરૂર છે તક આપવાની જરૂર છે, હું ચોકકસ એમ માનું છું કે આપણે તેમ કરીએ તો વિકલાંગ વ્યકિત સમાજ ઉપયોગી બની શકશે.
સુંદર પ્રવૃતિઓ માટે પી.એન.આર. સોસાયટી અને તેના કાર્યકરોને અભિનંદન પાઠવું છું. તેમજ સ્ટડી સેન્ટર માટે શુભેચ્છાઓ પાઠવું છું. ભવિષ્યમાં કોઇપણ કાર્યમાં મારી જરૂર હોય તો મને યાદ કરશો તો ઉત્તમ કાર્યમાં સદભાગી થવું મને ગમશે.
ભાવનગરમાં તા. 23-24 માર્ચ 2007 દરમિયાન યોજાયેલ 4 થી વાર્ષિક ઓલ ઇન્ડિયા રિહેબિલિટેશન એકસપોર્ટ મીટ- 2007 પ્રસંગે આપેલ પ્રેરક ઉદ્બોધનમાં શબ્દો જોઇએ. “વિકલાંગતા અટકાયત-ગર્ભાવસ્થાથી મૃત્યુ સુધી જરૂરી છે. એકસ્પર્ટ મીટ માટે પી.એન.આર. સોસાયટી અને આર.સી.આઇ. બંનેને અભિનંદન પાઠવું છું. શ્રી ભાસકરભાઇએ સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓને સહિયારો પ્રયાસ કરવા હિમાયત કરી હતી.”
જિલ્લા કક્ષાએ વિકલાંગ ધારાનાં અમલીકરણ કમિટીની મીટીંગો અવાર નવાર મળતી રહે અને તેમાં થતાં નિર્ણયોનું ચુસ્ત અમલીકરણ થાય તેવા પ્રયત્નો પોતાના કમિશ્નર તરીકેનાં કાર્યકાળ દરમિયાન હાથ ધર્યા હતા. ભાસ્કરભાઇએ લગભગ દરેક જીલ્લાઓની મુલાકાત લઇ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર જીલ્લા કક્ષાની કમિટીઓમાં કમિશ્નર તરીક હાજરી આપી છે. જે દેશભરના તમામ વિકલાંગ કમિશ્નરો દ્વારા ન થઇ હોય તેવી નોંધપાત્ર ઐતિહાસિક કામગીરી ગણાવી શકાય. તેમની આ દિર્ઘદષ્ટિ, કાર્યના ઉકેલ માટેની કુનેહ અને વિકલાંગો પ્રત્યેની સંવેદનાનાં દર્શન થાય છે.
શ્રી ભાસ્કરભાઇ રાજ્યના એક સબળ નિડર નેતા છે. તેમણે રાજકોટમાં શ્રી વજુભાઇ વાળા સામે ચુંટણી પ્રવચનમાં વિકલાંગો પ્રત્યે વપરાયેલ અપશબ્દો સંબંધી યોજાયેલ રેલીમાં અસરકારક નેતૃત્વ પુરૂ પાડી સ્પષ્ટ અને સચોટ સૌ કોઇનું ધ્યાન ખેંચે તેવું ઉદ્બોધન કર્યું હતું. પત્રકાર મિત્રોને પણ નિડરતા પૂર્વક વિકલાંગો માટે વપરાયેલ અઅપશબ્દો સંબંધી પુછાયેલ પ્રશ્નોનાં ઉત્તરો આપી તે વખતનાં નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળાને પોતાના શબ્દો પાછા ખેંચવા મજબૂર કરવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી. જે દ્રષ્ટિહીન વ્યકિતઓ દ્વારા અપમાન અને અન્યાય સામે છેડવામાં આવેલી લડતોમાંની ઐતિહાસિક લડત ગણી શકાય.
એટલે ભાસ્કરભાઇ માટે એક માત્ર “વિરલ” શબ્દ વાપરી શકાય તેવો છે. એટલે એમ કહી શકાય કે “વિરલ” શબ્દનો પર્યાય એટલે ભાસકરભાઇ.
રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાસ્કરભાઇનું નેતૃત્વ એક અદ્વિતિય નેતૃત્વ રહયું છે. હોનહાર નેતા મળવા દુર્લભ છે. તેમણે રાજ્યકક્ષાની, રાષ્ટ્રકક્ષાની અને આંતરરાષ્ટ્રીયકક્ષાની યોજાતી પરિષદોમાં પણ અનેક સંશોધન પેપરો રજુ કર્યા છે જેના નિષ્કર્ષ રૂપે નેત્રહીન શિક્ષણના સુધારણા અને વિકાસમાં પ્રતિબળ પ્રાપ્ત થયું છે. આવા વિરલ વ્યકિતત્વ ધરાવનાર, ઉદાર વલણવાદી, સ્પષ્ટવક્તા, સચોટ ભાષાશૈલી, સંવેદનશીલ અને સફળ સંચાલકને કોટી કોટી વંદન.