મેઘરજ જેવા પછાત વિસ્તારની કોઇ શાળામાં અધ્યાપન કરવા જવાનું થાય ત્યારે જરુર કોઇ અંધ વિદ્યાર્થી પૂછે-
“સાહેબ, મારે ભાસ્કર સાહેબને જેવા છે મળે?”
તરત જ મારી દ્રષ્ટિ સમક્ષ શ્રી ભાસ્કરભાઇ મહેતા સાહેબનું એક ચિત્ર ખડું થઇ જાય. મધ્યમઊંચાઇ અણીયાળું નાક અને ચમકતો ભાલ-પ્રદેશ ચાલમાં ખુમારી વાણીમાં નમ્રતા અને જ્ઞાનની ઝલક ઓલિયા ફકીર જેવા લાગે. સાદું વ્યસ્ત જીવન. શિસ્તના આગ્રહી, નિખાલસ, દ્રઢ નિશ્ચયી મુદ્રા, સરળ હૃદય, નિર્ભય, વર્ચસ્વ જમાવતું વ્યક્તિત્વ અદનો કોઇપણ વિકલાંગ કે નાગરિક તેમને મળી શકે.
લીંભોઇ હાઇસ્કૂલના વરિષ્ઠ શિક્ષક શ્રી જશુભા પાસેથી મહેતાસાહેબના કોલેજકાળના પુરુષાર્થની વાતો
સાંભળવા મળે ત્યારે દિનાનાથ વ્યાસનો આ શેર યાદ આવી જાય –
એક ઠોકરથી ક્યારેય રોકાય ના,
કે સમય કેરી ક્ષણોથી મંઝિલો જેખાય ના,
હું પડયો તો ધૂળ મુઠ્ઠીમાં ભરી લીધી સદા,
ઠોકરોની ખેપ પણ ક્યારેય ખાલી જાય ના.
જિંદગીના સંઘર્ષમાં વિજયી યોદ્ધા અને મિલનસાર મહેતા સાહેબને અમે પ્રવાસી અધ્યાપકોએ ત્રણ સ્વરુપે
ખૂબ નજીકથી જોયા છે-જાણ્યા છે. ‘બોસ’ એટલે કે માનદ્મંત્રી સ્વરુપે, તજજ્ઞ શિક્ષક તરીકે અને મદદગાર સાથી તરીકે.
દરેક માસના આરંભે ઇડર ઓફિસ ખાતે થતી સ્ટાફ મિટીંગમાં તેમનો દબદબો જોવા જેવો હોય. નિયત સમયે
સાથી કે મહેમાન સાથે સ્ફુર્તિથી સભાખંડમાં પ્રવેશે. મોબાઇલમાં વાતચીત ચાલુ હોય ને આસન ગ્રહણ કરે. ઇન્દ્રસભા ભરાઇ હોય તેમતેમની આજુબાજુ સ્વામીભાઇ અને બ્રહ્મભટ્ટભાઇ ગોઠવાયા હોય. અમે પાટલી પર તેમની સામે ઉત્સુક નજરે તેમના સંબોધનની રાહ જોતા હોઇએ. હોલમાં પીન-ડ્રોપ સાયલન્સ. તેમની રજુઆત ચાલુ હોય ત્યારે કોઇની પણ ખલેલ સહન ન કરે. તમામશિક્ષકમિત્રોની નોંધ લે. ગેરહાજર હોય તેની પણ બોલવાની છટા આકર્ષે. અસ્ખલિત વક્તવ્ય વચ્ચે થતી શબ્દો-વાક્યોની પુનરુક્તિનો આનંદ માણીએ.
ચર્ચા- સૂચનાઓની મુદાસર વાત થયા પછી સૌ શિક્ષકોને પૂછે- ‘તમારે કંઇ કહેવું છે? તમારો કોઇ પ્રશ્ન છે? હોય તો બોલો.....’ કયારેક તેમની વાણીમાં હઠાગ્રહ દેખાય પરંતુ પછી એવા તટસ્થ વલણ ને ઉદારતા દર્શાવે કે અમને તેમના પ્રત્યે માન થાય. અમારા પ્રવાસી શિક્ષકોના મનની વાત જાણનારા છે. અમારી દરેક સમસ્યા તેમણે
પહેલેથી જ વિચારી રાખી હોય. કર્મચારીની ક્ષતિ જણાય તો કેબીનમાં બોલાવી અધિકારપૂર્ણ ખખડાવી નાખે. એ વખતે તેમની વાણીમાં સખ્તાઇ વર્તાય અને કયારેક અપ્રિય સરસ્વતી પણ સંભળાવી નાખે. કેબિનમાં ઉભા રહેવું દુષ્કર થઇ જાય, પરંતુ થોડીવાર પછી મહેતા સાહેબની વાણીમાં નમ્રતા અને મીઠાશનો
અનુભવ થાય. તમે કેબિનમાંથી
હસતાં-હસતાં બહાર નીકળો આવો જાદુ છે તેમનો.
બોસ તરીકે તેઓશ્રી ઉદારમતવાદી અને જતું કરવાની વૃત્તિવાળા છે. કયારેય શિક્ષક મિત્રોને પારકા ગણ્યા નથી. બધાના બધાં જ પ્રશ્નો ઉકેલવા તત્પર હોય. કર્મચારીનું દેવુ હોય કે નાસાંભીડ, કાન્તિભાઇ રાવળની તબીબી સારવાર હોય કે માધવીબેનની અંગત સમસ્યા હોય, મુકુંદભાઇના દામ્પત્યજીવનની ગૂંચ હોય કે મન-બીપીન વિ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની રોજગારી અંગેનો પ્રશ્ન હોય, મહિલા શિક્ષિકાઓની અંગત મૂંઝવણ હોય કે નોકરીમાં ફેરબદલીનો પ્રશ્ન હોય, ઓફિસના માનદ્ કર્મચારીનો પ્રશ્ન હોય કે મહિલા છાત્રાલયની
વિદ્યાર્થિનીઓની બાબત હોય-સૌની વાત સાંભળે, સમસ્યાનું નિવારણ કરે અને બહુમૂલ્ય સૂચનો પણ કરે. અમારે મન તો ભાસ્કરભાઇ મહેતા એટલે ‘કષ્ટભંજન દેવ’ તેમની નિખાલસતા કે ભલાઈને નબળાઇ માની ન લેવાય. તેમની વણિકબુદ્ધિ અગમચેતી વાપરી બધાંને ગમે તેવો હલ શોધી કાઢે તેવાં. કોઇ સમસ્યા તેમની આગળ ટકી જ ન શકે. સબ બંદરકા વ્યાપારી સૌજન્યતા અને સેવાની મૂર્તિ.
મને યાદ છે 1997 માં મારા પિતાનો સ્વર્ગવાસ થયો પછી એક દિવસ બધાં કર્મચારીઓ સહિત રુબરુ આવી
શોક પ્રદર્શિત કર્યો. આશ્વાસનના બે બોલમાં પણ ફિકર કરે. લેખિત શ્રદ્ધાંજલિના તે શબ્દો આજે પણ હું ભૂલ્યો નથી. ‘કોઇ મૂંઝવણ હોય તો જણાવજો.’ એમપણ કહે આમકોઇપણ કર્મચારીના સારા-માઠા પ્રસંગોમાં હાજરી આપી સમભાવ વ્યક્ત કરે.
‘તજજ્ઞ’ તરીકે શીખવનાર શિક્ષકનું એક સ્વરુપ પણ અમે જોયું છે. સરળ ભાષામાં પ્રભાવશાળી અધ્યાપન એ
તેમની વિશિક્તા છે. કેમ્પ, સેમિનાર કે શિબરોમાં તેમને ગણિત-ભાષાઓ કે બ્રેલના તજજ્ઞ તરીકે સાંભળવા એ એક લ્હાવો છે. અગાઉના શિબિરોનું અનુસંધાન પણ યાદ કરાવે. શીખવવાની પ્રવૃત્તિમાં એટલા બધાં તલ્લીન થાય કે સમયનું પણ ભાન ન રહે. તેમની વિદ્વતા ત્યાં પૂર્ણ ચંદ્રની જેમખીલી ઉઠે છે. કોઇ શિક્ષક કે શિબિરાર્થીની ક્ષતિ નજરે ચઢે તો જાહેરમાં બધાંની વચ્ચે બોલાવી ભૂલ સુધરાવે અને પીઠ પર મીઠો ધબ્બો મારી હસતાં-હસતાં શિક્ષા પણ કરી લે. રમૂજી શૈલીમાં બધાંને ક્ષતિ સમજાવે. શીઘ્રકવિતા રચના સ્પર્ધા જેવી ઝડપથી તેમને કોઇપણ વિષય આપો મહેતાસાહેબ વિષયાનુરુપ વક્તવ્ય આપી જાણે. તમે પ્રભાવિત થયા વગર ન રહી શકો. રાષ્ટ્રીય અંધ જન મંડળની અમારી ઇડર ખાતે અને રાજ્યમાં કોઇપણ સ્થળે કેમ્પ, સી.આર.ઇ. કે તાલીમશિબિરોમાં અમારી કાળજી લે. પોતે અભાવ-અગવડ વેઠીને પણ શિક્ષકો-વિદ્યાર્થીઓને સગવડ ગોઠવી આપે એટલે જ અમારા દરેક શિક્ષકના મન હૃદયમાં આ જ વાત હોય -સાચો સાથી અમારો ‘ભાસ્કર’.
મહેતાસાહેબની વિચક્ષણતા અને સાહસવૃત્તિને પણ સલામમારવી પડે. અગાઉના વર્ષમાં કેન્દ્રની સંકલિત
શિક્ષણયોજના રાજ્ય દ્વારા સમ્મિલિત શિક્ષણમાં પરિવર્તિત થવાની પ્રક્રિયા દરમિયાન પ્રવાસી-શિક્ષકોનો પગાર બંધ થયો ત્યારે વીર ભામાસાની જેમતેમણે ઇડર એન.એ.બી.ના તમામશિક્ષકોને ચાર માસ ગૃહસ્થી નભે તેટલા નાણાંની મદદ કરી. ખૂબ મર્યાદાઓ વચ્ચે પણ તેમણે અમને દુઃખી થવા દીધા નથી. સતત અમારી ચિંતા કરી છે. જરુર પડી ત્યાં આગળ રહી પ્રોત્સાહિત કર્યાં છે. આટલું ઓછું હોય તેમએલ.આઇ.સી.ની પોલિસી ધરાવતાં શિક્ષકોના પ્રિમિયમના નાણાં સંસ્થાએ ભર્યા છે ને બીઝ ઉઠાવ્યો છે. તેમની દિલેરીની દાસ્તાન સદા યાદ રહેશે.
અમારા અધિકારી હોવા છતાં ક્યારેય ‘બોસિંગ’ કર્યું નથી. માલિક-નોકરનો ભેદ કર્યો નથી. અમને પોતાના
સમજ્યાં છે. અમારા દુઃખે દુઃખી અમારા સુખે સુખી એક સાથી, એક મિત્ર, એક સમકક્ષ સમદુખિયાની જેમએમનો પ્રેમમળ્યો છે. અમને મહેતાસાહેબની વ્યવહારકુશળતા અને પરદુખભંજકવૃત્તિનો સદાય અનુભવ થયા કરે છે. અખિલ ગુજરાત નાટયસ્પર્ધા વખતે સદાય સક્રિય રસ લે. પ્રેરણાદાયી બને. ઠાકર, શૈષયભાઇ સહિત નાટકની
કથાવસ્તુ વાંચન માટે હું તેમની કેબિનમાં જીઉં ત્યારે પ્રેમથી આવકારે. અમને ત્રણેને મિત્રની જેમટ્રીટ કરે.. ક્યારેક એટલા બધાં નિખાલસ બને કે અંગત વાતો ને મત પણ વ્યક્ત કરે. ક્યારેક એવી રોમેન્ટિક ચર્ચા છેડે કે વાતાવરણ ખુશીથી ભરાઇ જાય.
નાટકના વાંચન દરમિયાન કવિતા કે ભજનની પંક્તિઓ આવે ત્યારે બુલંદ અવાજે ગાવા મંડી પડે. કોઇક
મૌલિક સૂચન કરો, બુદ્ધિનો તેજચમકારો દર્શાવે. અમારી સાથેનું કાર્યનું ઇન્વોલ્વમેન્ટ માન ઉપજાવે.
નાટકની ટીમસ્પર્ધા-સ્થળે લઇ જતી વખતે રસ લઈ ટીમબનાવે. વિદ્યાર્થી કલાકારો અને શિક્ષકોની વ્યક્તિગત કાળજી લે અમારા એ કાર્યમાં તમામ સ્ટાફ-શિક્ષકોને સામેલ કરી ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના સાર્થક કરે. મને, આર.સી.ઠાકર અને રાવલને તો પિતા કે ભાઇ કરતાં પણ વિશેષ લાડ લડાવે. કુટુંબમાં પુત્રલગ્ન સમયે ઘરનો મોભી, જમાઇ વિ. ને ખિસ્સામાં નાણાં આપી જાનમાં મોકલે તેમમહેતાસાહેબ પણ અમારા ત્રણેના ખિસ્સા ધનથી ભરી સૂચન કરે ‘નાટકના કલાકારો કે તમને કંઇ તકલીફ ના પડવી જોઇએ.... જાવ, વિજયી થઇને આવજો. પહેલો નંબર આવવા જોઇએ.......’ વિ.વિ.
કુદરતી આફત વખતે રાજ્યના પ્રધાન સ્થળ પરની વખતોવખતની માહિતીથી માહિતગાર રહે તેમમહેતાસાહેબ નાટકની ભજવણી પૂર્ણ થાય ત્યાં સુધી અમારા સંપર્કમાં રહે. નાટયસ્પર્ધાનુ સ્થળ, મળતી સગવડ, પડતી અગવડ, રિહર્સલ, તૈયારી, રજૂઆત, ભોજન વ્યવસ્થા અને અંગત પુછપરછ દ્વારા પળેપળની વિગતથી વાકેફ રહે અને જરુરી મદદ-સલાહસૂચનો આપ્યાં કરે. અનુકૂળતા હોય તો નાટયસ્પર્ધામાં રુબરૂ હાજર રહી બધાંન પ્રોત્સાહિત કરે. નાટકનો નંબર આવે ત્યારે આનંદ વ્યક્ત કરી, શાબાશી આપે, ઉજાણી કરાવે અને પ્રવાસની મોજ પણ કરાવે. લક્ષ્ય કરતાં નીચે કે ઉતરતો નંબર નાટકનો આવે ત્યારે આશ્વાસન આપી કદરદાનીના વાક્યો બોલી હૈયાધારણ આપે. એ વખતે તેઓ ઘાયલ હોવા છતાં અમારી સુશ્રુષા કરતાં સૈનિક-અધિકારી જેવાં લાગે. આવી તો કેટકેટલીય યાદો સ્મરણપટમાં જીવંત છે. તેમના નેતૃત્વમાં કામકરવું એ જિંદગીનો એક અમૂલ્ય લ્હાવો છે.
રાત-દિવસ, ઉઠતાં-બેસતાં કે નિદ્રા વખતે પણ વિકલાંગ કલ્યાણના વિચારોમાં મસ્ત એવા અમારા સુખ-
દુઃખના સાથી એવા મહેતાસાહેબને ષષ્ઠીપૂર્તિના શુભ પ્રસંગે તમામશિક્ષક-કર્મચારીગણના લાખ-લાખ
અભિનંદન....
જીવનના તમામતબક્કે વિવિધ સ્વરુપે અમને તાલીમ, ફરજ બજવણી, આર્થિક-સામાજિક મુશ્કેલીમાં
સહાયરુપ થતાં મહેતાસાહેબનો ખૂબખૂબ આભાર.
પૃથ્વીના એક તૃતિયાંશ ભાગમાં બ્રિટીશ સામ્રાજ્યનો ડંકો વાગતો હતો ત્યારે કહેવાતું હતું કે- ‘બ્રિટન સામ્રાજયનો સૂરજ કદી આથમતો નથી.’ તેવી જ રીતે મહેતાસાહેબની સામાજિક કદરદાનીના આ જાહેર પ્રસંગે અને ષષ્ઠીપૂર્તિ નિમિત્તે-ભાસ્કરભાઇની વિકલાંગ કલ્યાણ-સેવા પ્રવૃત્તિનો, ઉદારતાનો અને આયુષ્યનો
સૂર્ય સદાય મધ્યાહનમાં તપ્યા કરે અને કદિ પણ આથમે નહીં તેવી શુભેચ્છા.
અંતમાં આ શેર દ્વારા હું કહેવા માગું છું કે-આ એ માણસ છે જે-
લહરોં પે છા જાયે વો તૂફાન હૈ,
તૂફાનો પે છા જાયેં વો ભાસ્કર હૈ.
અસ્તુ.