લાયન ભાસ્કર મહેતા

સિંહ સમાન પ્રતિભા હોય તે વ્યકિતને જ્યારે લાયન જગત સાથે કલ્પીએ ત્યારે કંઈક અનોખી જ કલ્પના

માનસપટલ પર છવાય છે. ને 1969 માં એસ.એસ.સી.માં ઊતીર્ણ થનાર ભાસ્કરભાઈને રંગમંચ પરથી સૌથી વધુ માકર્સથી અંધ વિદ્યાર્થી તરીકે પાસ થનાર વ્યકિત તરીકે ડીસ્ટ્રીકટ 323 નાં લાયનોએ બિરદાવ્યા હતા. ટ્રોફી આપી સર્ટી આપ્યું એ ભાસ્કરભાઈનો લાયન સાથેનો પ્રથમ પરિચય છે. કદાચ તે સમયનાં લાયનોને ખબર નહિ હોય કે ભવિષ્યમાં આ એક લાયન અને તે પણ સમર્પિત લાયન બનશે.

સને 1976 માં લાયન્સ કલબ ઓફ વસ્ત્રાપુર (મોસ્ટલી ઓફ ધી બ્લાઈન્ડ) ની સ્થાપના થઈ તે સમયનાં અંધ જગતનાં મોભી સ્વ. જગદીશભાઈ પટેલે લાયન જગતમાં અંધજનોનું પણ સ્થાન અને પ્રદાન રહે તેવા આશયથી આ કલબ સ્થાપી. અને જેટલા પણ પ્રતિભાવાન અંધજનો તેમનાં સંપર્કમાં હતા અને અમદાવાદમાં રહેતા હતા તેમને કલબમાં જોડાવા હાકલ કરી. પ્રો. ભાસ્કરભાઈ મહેતા કોઈપણ સેવાકાર્ય હોય અને કંઈક નવીન કરવાનું હોય તો તેમાં હંમેશા અગ્રેસર હોય જ. સ્વ. જગદીશભાઈનાં આ નવા અભિયાનમાં તેમણે જોડાવાનું નક્કી કર્યું અને પ્રો. ભાસ્કર મહેતાને એક લેબલપીન લાગી “લાયન ભાસ્કર મહેતા”.

સને 1976 થી 1982 સુધી લાયન્સ કલબ ઓફ વસ્ત્રાપુરમાં એક સામાન્ય સભ્યથી શરૂ થયેલ યાત્રાને બોર્ડ ઓફ ડીરેકટર તરીકે શોભાવી. કલબનાં ઉદયકાળમાં કલબને સ્થિરતા આપવાનું જ નહિ પણ આગવી ઓળખ બનાવવાનું કાર્ય તેમણે કર્યું.

સને 1983 માં સેક્રેટરી તરીકે કલબનાં સદસ્યોએ તેમને ચૂંટી તેમની નેતાગીરીમાં વિશ્વાસ મૂક્યો એટલું જ નહિ સેક્રેટરીચલ વર્ક આપી, તેમની વહીવટી સૂઝબૂઝતાનો ઉપયોગ કરવાનું મુનાસીબ સમજ્યા. સેક્રેટરી તરીકે ચૂંટાયેલા

ભાસ્કરભાઈને ઈડરમાં ફૂલટાઈમ લેક્ચરરની પસંદગી પણ મળી. સ્વાભાવિક છે કે એક મધ્યમવર્ગીય પ્રતિભાવાન વ્યકિતને જ્યારે આવી તક મળે તો તેણે ઈડર જવું જ પડે. પરંતુ ઈડર રહ્યા પણ તેમણે સેક્રેટરી તરીકેનો કાળ સુપુરે પાર પાડયો.

ઈડરમાં ભાસ્કરભાઈએ પોતાનાં સેવાનાં સંસ્કારને કારણે અંધજનો માટે કાર્ય કરવાની શરૂઆત કરી. સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં વિકલાંગો માટે ઘણું જ ઓછુ કામ થતુ હતું એવા તબક્કે ભાસ્કરભાઈએ નેશનલ એશોશિએશન ફોર ધી બ્લાઈન્ડ સાબરકાંઠા જીલ્લાશાખાની શરૂઆત કરી અને વિક્લાંગોની અનેકવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ આદરી. આ પ્રવૃત્તિઓમાં લાયનિઝમથી રંગાયેલા ભાસ્કરભાઈ મહેતા અનેક લાયન્સ કલબોને સાંકળી, અને એ રીતે પોતાનો લાયન્સ કલબ સાથેનો નાતો જાળવી રાખ્યો.

વર્ષ 2005 માં લાયન્સ કલબ ઓફ વસ્ત્રાપુરમાં તેમને પુનઃપ્રવેશ કરવા કહેવામાં આવ્યું. આ સમયે તેઓ

ગાંધીનગર ખાતે વિકલાંગ વ્યકિતઓ માટેના કમિશ્નર તરીકનાં ઉચ્ચ હોદ્દા પર હતા તેમને માટે ના પાડવી સહેલી હતી પરંતુ તેમણે પોતાની વ્યસ્તતાને અવગણી લાયન્સ કલબ ઓફ વસ્ત્રાપુરમાં પુનઃપ્રવેશ કર્યો.

ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રી મિલન દલાલ સાથે તેમણે વિકલાંગતાના કમિશ્નર અને લાયન તરીકેની જવાબદારીને વણી લઈ વિકલાંગોનાં કાર્યને આગળ વધારવાનું બળ પૂરું પાડયું. સને 2007 મા જર્મનીથી આવેલા ઇન્ટરનેશનલ લાયન કલબના વાઈસ પ્રેસીડેન્ટશ્રીના હાથે તેમનાં યોગદાન બદલ તેમનું સન્માન થયું.

વર્ષ 2007-08 ની ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન ભરત રાવનાં સમયે તો ભાસ્કરભાઈએ વિકલાંગ સાધનમેળો, વિકલાંગ લગ્નોત્સવની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ પોતાનાં હોદ્દાને અતિક્રમીને માનવી તરીકે હંમેશા વધુ વર્ત્યા છે અને કદાચ એ જ એમની ઓળખ છે. તેમનાં સાથી લાયનમિત્રો તેમને પ્રમુખ બની ડીસ્ટ્રીકટમાં ઉચ્ચ હોદ્દાઓ તરફ પ્રયાણ કરવા સતત આગ્રહ કરી રહ્યા છે.

તારક લુહાર
પ્રન્સીપાલ
એ.ટી.સી. સ્કૂલ ફોર ધી બ્લાઈન્ડ
અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ