અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા એક અંતરિયાળ ગામના રહેવાસી અદેસિંહ સોલંકી માટે તેમના પુત્ર ઝાલમસિંહનો જન્મ ખુશીઓ લઈને આવ્યો હતો. લગભગ ૨૫ વર્ષ પહેલાં જન્મેલા ઝાલમસિંહના આગમનથી તેમનો પરિવાર આનંદથી છલકાઈ ઊઠ્યો હતો. પરંતુ, સમય જતાં પરિવારને ખ્યાલ આવ્યો કે ઝાલમસિંહનો માનસિક વિકાસ સામાન્ય બાળકો જેટલો નથી. આખરે, નિદાન થયું કે તે એક મનોદિવ્યાંગ વ્યક્તિ છે અને આ જાણકારીએ પરિવારમાં દુ : ખની લાગણી ફેલાવી દીધી. પરિવારમાં ઝાલમસિંહનાં ત્રણ ભાઈ – બહેન હતાં, જેમાંથી એક બહેન પણ શ્રવણમંદ હતાં. આમ, બે દિવ્યાંગ બાળકો અને બે સામાન્ય બાળકો વચ્ચે તેમના ઉછેર અને વ્યક્તિત્વનાં ઘડતરમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. પરિવારમાં શિક્ષણનો અભાવ અને આર્થિક સંકડામણ આ મુશ્કેલીઓને વધુ ગંભીર બનાવી રહ્યા હતા.
ઝાલમસિંહ જ્યારે ધોરણ આઠમા અભ્યાસ કરતા હતા, ત્યારે તેમના જીવનમાં એક આશાનો નવો સંચાર થયો. રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રવાસી શિક્ષક લાલસિંહનો સંપર્ક થતાં, ઝાલમસિંહના જીવનની દિશા બદલાઈ ગઈ. સામાન્ય રીતે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સિદ્ધિઓની અપેક્ષા રાખવી અતિશયોક્તિભરી લાગી શકે છે, પરંતુ કુદરત એક ક્ષતિની પૂર્તિ બીજી ક્ષમતાથી જરૂર કરે છે. ઝાલમસિંહના શિક્ષકોએ તેમનામાં રમતગમત પ્રત્યેની અસાધારણ પ્રતિભા જોઈ. સંસ્થા, શિક્ષકો અને વાલીઓના સહયોગથી તેમને મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે યોજાતી રમતોમાં ભાગ લેવાનો અવસર મળ્યો.
ઝાલમસિંહ દોડ, સોફ્ટબોલ, બાસ્કેટબોલ અને રસ્સાખેંચ જેવી શારીરિક કૌશલ્યની રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા લાગ્યા. તેમની આ પ્રતિભાને કારણે તેમને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી અને તેમણે પરિવારનું નામ રોશન કર્યું. સરકારશ્રીની સ્પેશિયલ ઓલમ્પિક સેવાઓ હેઠળ ઝાલમસિંહને બાસ્કેટબોલમાં વિશેષ તાલીમ આપવાનું નક્કી થયું. સંસ્થાના વિશિષ્ટ શિક્ષકો, સ્પેશિયલ ઓલમ્પિકના કોચ અને પરિવારના સતત સહયોગથી ઝાલમસિંહ રમતગમતની દુનિયામાં ખૂબ આગળ વધ્યા. મે ૨૦૨૩ માં રાષ્ટ્રીય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં જીત મેળવીને તેમણે દિલ્હી ખાતે વિશેષ કોચિંગ લીધું. ઝાલમસિંહની લગન, મહેનત અને તેમના શિક્ષકોનું સચોટ માર્ગદર્શન ફળ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલની ટીમમાં તેમની પસંદગી થઈ. જૂન ૨૦૨૩ માં જર્મનીના બર્નિંગ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધામાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું અને લગભગ ત્રણ લાખ રૂપિયાનું ઇનામ જીત્યું.
122
આર્થિક તકલીફો હોવા છતાં, ઝાલમસિંહના પરિવારે અને સંસ્થાએ હંમેશાં તેમને પ્રગતિના પંથે આગળ વધવામાં મદદ કરી. સ્પેશિયલ ઓલમ્પિકે તેમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો, જ્યારે ગુજરાત સરકારે પણ તેમની સિદ્ધિને બિરદાવવા માટે પચાસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું. ઝાલમસિંહે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કરીને પોતાની શૈક્ષણિક કારકિર્દીને પણ આગળ ધપાવી. તેમની અદમ્ય મહેનત અને જીતવાની ભાવનાએ તેમને જિલ્લા અને રાજ્ય કક્ષાએ અનેક ઇનામો અપાવ્યા, જેનાથી તેમણે પરિવાર અને સંસ્થાને ગૌરવ અપાવ્યું.
અત્યારે ઝાલમસિંહ તેમના મોટા ભાઈ સાથે રહે છે અને ખેતીના કામમાં મદદ કરે છે, કારણ કે તેમના પિતાનું અવસાન થયું છે. એક મનોદિવ્યાંગ વ્યક્તિએ પોતાના કૌશલ્ય અને મહેનતથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિજય મેળવીને પોતાનું, પરિવારનું અને સંસ્થાનું નામ રોશન કર્યું, તે તેમની અડગ મહેનત અને શિક્ષકોના સફળ માર્ગદર્શનનું પરિણામ હતું. જોકે, તેમની સામે કેટલીક સમસ્યાઓ હજુ પણ ઊભી છે. ઇનામમાં મળેલી રકમ જીવનનિર્વાહ માટે પૂરતી નથી અને તેમની પાસે આર્થિક ઉપાર્જન માટે કોઈ કાયમી કામ નથી. તેઓ પરિવાર પર બોજ ન બને તે માટે સતત પ્રયાસો થયા, પરંતુ હાલ તેમની પાસે એવી કોઈ નોકરી નથી કે જેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે.
ઝાલમસિંહની જીવનગાથા સમાજને એ શીખવે છે કે શારીરિક ક્ષતિ હોવા છતાં દેઢ નિશ્ચય, કઠોર પરિશ્રમ અને સચોટ માર્ગદર્શનથી કોઈપણ સફળતાનાં શિખરો સર કરી શકાય છે. જો સરકાર આવા વ્યક્તિઓને આર્થિક લાભ અને તેમની ક્ષમતાને અનુરૂપ કાર્ય પૂરું પાડે, તો તેમનું જીવન વધુ આનંદિત બની શકે છે અને તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે છે.ઝાલમસિંહ જેવા અનેક પ્રતિભાશાળી દિવ્યાંગો માટે આ એક નવી દિશા ખોલી શકે છે.
ચિમન ડોડીયા
