ડૉ. પૂર્વેશ પંડ્યા સંઘર્ષથી સન્માન સુધીની પ્રેરણાદાયી યાત્રા

જિંદગી હંમેશાં પડકારો લઈને આવે છે અને સાથે જ તેનાં સમાધાનો પણ પૂરાં પાડે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ સમસ્યાથી ક્યારેક ને ક્યારેક પરેશાન થાય જ છે, પણ ડૉ. પૂર્વેશ પંડ્યાની આ જીવનગાથા વાંચવાથી એ ચોક્કસ સમજાશે કે સંઘર્ષ, સમય અને સન્માન એકબીજા ની સાથે સંતાકૂકડી રમતાં હોય છે. સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ગામના વતની અને જન્મથી જ દૃષ્ટિહીન એવા ડૉ. પૂર્વેશ પંડ્યાની જીવનગાથા આસમગ્ર વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.

૭ જુલાઈ, ૧૯૮૧ ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં પુત્ર જન્મનો અનેરો આનંદ હતો. દીકરા સાથે જિંદગી જીવવાનાં અનેક સપનાઓ સાથે માતા – પિતા અને પરિવારજનો ખૂબ હર્ષિત થઈ ઊઠ્યાં હતા. સુશિક્ષિત પરિવારમાં પ્રથમ સંતાન તરીકે પુત્રપ્રાપ્તિ થતાં પરિવાર ખૂબ આશાન્વિત તેમજ ધન્ય અનુભવતો હતો. પરંતુ આ ખુશી ક્ષણિક હતી. માત્ર છ મહિનાની ઉંમરે જ્યારે પૂર્વેશ બાળસહજ ગતિવિધિઓમાં આંખનો ઉપયોગ ન કરી શકતો હોવાનું ધ્યાને આવતાં પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ. શું થયું હશે એ વિચારે દરેક વ્યક્તિના મનમાં દુ : ખ અને વિચારોનું વમળ ઊભું કરી દીધું. તબીબી તપાસનો દોર શરૂ થયો અને પાંચ વર્ષ સુધી રાજ્યના તેમજ દેશના નામાંકિત તબીબોની સલાહ લીધા પછી છેવટે પરિવારને હતાશા જ મળી. નાનકડા એક કાગળ ઉપર તબીબે લખી આપેલું એક વાક્ય પરિવાર માટે બહુ જ મોટી આફતનો ઈશારો કરી રહ્યું હતું. તબીબોએ નિદાન કરી જણાવ્યું કે પૂર્વેશને ‘ રેટિનાઈટિસ પિગ્મેન્ટોસા ‘ નામનો આંખનો અસાધ્ય રોગ છે, જેની વિશ્વમાં કોઈ જ દવા ઉપલબ્ધ નથી. આ આઘાત સહન કરવો માતા – પિતા માટે ખૂબ જ કપરો હતો. માતા દીકરાને અંધ તરીકે સ્વીકારે એ પહેલાં જ ક્યાંક માતૃસહજ લાગણીઓ વચ્ચે આવતી હતી. પણ શિક્ષિત પરિવાર હોવાના કારણે જલદીથી બાળકની દિવ્યાંગતા સ્વીકારી લેવામાં આવી અને પૂર્વેશના ઉછેર માટે હરસંભવ કોશિશ કરવાનો સંકલ્પ લીધો. આ તબક્કે માતા – પિતાનો આ નિર્ણય ખૂબ સમજદારીભર્યો અને ધીરજપૂર્વક લેવાયેલો સાબિત થયો.

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પરિસ્થિતિઓ ક્યારેક વિકટ તો ક્યારેક દુર્ગમ થતી ગઈ. પાંચ વર્ષની ઉંમરે સૌથી મોટો પ્રશ્ન શિક્ષણને લઈ ઊભો થયો. સામાન્ય બાળકો સાથે શિક્ષણ પ્રાપ્ત કરવું એ સૌથી મોટો પડકાર હતો અને પાંચ વર્ષની નાની ઉંમરે બાળકને અંધ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં મૂકવો એ પણ લાગણીસભર નિર્ણય હતો. આ બંને પરિસ્થિતિઓ ઘણા સમય સુધી સંઘર્ષનું કારણ બની, પણ એ સંઘર્ષનું સમાધાન એટલી હદે સુખદ થયું કે આજે રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડરે સંકલિત શિક્ષણ યોજના હેઠળ ભણવાની સુવિધા પૂરી પાડી, જેનો સૌપ્રથમ સફળ નમૂનો પૂર્વેશની કારકિર્દી સાથે જોડી શકાય. ૧૯૮૭ માં રાષ્ટ્રીય અંધજન મંડળ, ઈડર શાખા ખાતે પૂર્વેશ અને તેમના પરિવારજનો પહોંચી ગયા, જ્યાં સંકલિત શિક્ષણ યોજના તેમના માટે સૌથી આશીર્વાદરૂપ પુરવાર થઈ. આ યોજના અંતર્ગત પૂર્વેશ પોતાના ગામની જ શાળામાં સામાન્ય

119

બાળકો સાથે ભણી શક્યો અને અંધ વ્યક્તિ તરીકે જરૂરી એવા બ્રેલ લિપિ તેમજ ગણિતનું શિક્ષણ વિશિષ્ટ શિક્ષકો દ્વારા સંકલિત શિક્ષણ યોજના અંતર્ગત ઘરે બેઠાં મળી રહ્યું. સંસ્થાએ ચાલુ કરેલા સાપ્તાહિક વર્ગો તેમજ વેકેશન દરમિયાન યોજાતા કેમ્પ પૂર્વેશના જીવન ઘડતરમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો. સંસ્થાના સંસ્થાપક પ્રોફેસર ભાસ્કર મહેતા પૂર્વેશના જીવન ઘડતરમાં સાચા અર્થમાં એક ગુરુ અને માર્ગદર્શક રહ્યા. તેમણે બ્રેલ લેખન, વાંચન, વક્તૃત્વ કે કોઈપણ સહ – અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પૂર્વેશને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યો અને પોતાના ઉદાહરણથી પરિવાર અને પૂર્વેશની વિચારસરણીમાં એક સકારાત્મકતા વધારવામાં મદદ કરી.

૧૯૮૭ થી શરૂ થયેલી આ શિક્ષણયાત્રા છેક સુધી અવિરતપણે ચાલુ રહી. દરેક તબક્કે રાષ્ટ્રીય અંધજન મંડળ તેમજ ભાસ્કરભાઈ મહેતા સાહેબ હંમેશાં પડખે ઊભા રહ્યા. મહેતા સાહેબના વ્યક્તિત્વને આદર્શ બનાવી પૂર્વેશનાં માતા – પિતાએ તેના અભ્યાસ અને જીવન ઘડતરની શરૂઆત કરી. જેના ફળ સ્વરૂપે, પૂર્વેશે સંસ્કૃત વિષય સાથે બી.એ. અને એમ.એ.નો અભ્યાસ સામાન્ય વિદ્યાર્થીઓની કૉલેજમાં સામાન્ય વિદ્યાર્થીઓની વચ્ચે રહી કર્યો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી, તેણે સુવર્ણચંદ્રક મેળવનાર સૌપ્રથમ દૃષ્ટિહીન વિદ્યાર્થી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ સૌથી પહેલી સફળતા સંકલિત શિક્ષણ યોજનાની યથાર્થતા તેમજ સંસ્થા અને સાહેબશ્રીનો અથાક પરિશ્રમનો આદર્શ દાખલો હતો. બાળકના શિક્ષણ અંગે પરિવારમાં ખૂબ મૂંઝવણ હતી. ત્યારે આ મૂંઝવણનું સમાધાન રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર ખાતે મળ્યું.

શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી વ્યવસાયિક ક્ષેત્રે પણ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બી.એ. અને એમ.એ.ની પદવી મેળવ્યા પછી સરકારી વિભાગોની ઘણી પરીક્ષાઓ પૂર્વેશે ઉચ્ચ મેરિટ સાથે ઉત્તીર્ણ કરી, પણ દૃષ્ટિહીનતા નડતરરૂપ બની અને કોઈપણ જાહેર પદ ઉપર નિમણૂંક ન મળી. ખૂબ મહેનત અને અથાક પરિશ્રમ કરવા છતાં પણ સરકારના નિરાશાજનક અભિગમ કે અધિકારીઓની ઓછી સમજને કારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ પાસ કરવા છતાં કોઈપણ પદ ઉપર નિમણૂંક ન મળી. આ સમય ખૂબ જ હતાશાનો હતો. ખૂબ સારો અભ્યાસ કરવા છતાં વ્યવસાયિક ક્ષેત્રે મનગમતો વ્યવસાય સત્વરે પ્રાપ્ત કરવો એ ખૂબ મોટી સમસ્યા બની રહી. ક્યારેક હતાશાનો અનુભવ થાય તો ક્યારેક ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં ભાવિ સંઘર્ષનો ડર સતાવે. પણ આ કપરા સમયમાં પણ ભાસ્કરભાઈ સાહેબ અને સંસ્થાએ હંમેશાં પડખે ઊભા રહી સકારાત્મકતા પૂરી પાડવાનો ભગીરથ પ્રયાસ ચાલુ રાખ્યો. જેના ફળ સ્વરૂપે સૌપ્રથમ શામળાજી કૉલેજ ખાતે મુલાકાતી અધ્યાપક તરીકે નિમણૂંક મળી. ત્યારબાદ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં સંસ્કૃતના શિક્ષક તરીકે ૨૦૦૭ ની સાલમાં કાયમી નિમણૂંક મળી.

શિક્ષણ અને વ્યવસાયની સાથે સાથે સામાજિક અને સાંસારિક પ્રગતિ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વની હોય છે. ઉત્તમ કારકિર્દીના માધ્યમથી સારી નોકરી પ્રાપ્ત કર્યા પછી

120

સમાજને કંઈક પરત આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય વિદ્યાલયમાં છેલ્લાં ૧૮ વર્ષથી સંસ્કૃત વિષયનું અધ્યાપન સુપેરે ચાલી રહ્યું છે. પારિવારિક પરિસ્થિતિઓની વાત કરીએ તો દૃષ્ટિહીન વ્યક્તિ માટે લગ્ન કરવું ખૂબ જ અઘરું છે, તેમાંય એક સંપૂર્ણ દૃષ્ટિવાન યુવતી સાથે લગ્ન કરવા એ આજના આધુનિક સમાજ માટે પણ વિચારસરણીથી ખૂબ દૂર હોય તેવું લાગી રહ્યું છે. તેમ છતાં પણ ૨૦૦૯ ની સાલમાં પૂર્વેશનાં લગ્ન શ્રદ્ધા નામની યુવતી સાથે, જે સંપૂર્ણ દૃષ્ટિવાન છે, સાથે પારિવારિક જીવન ખૂબ જ આનંદપૂર્વક આગળ વધી રહ્યું છે. પરિવારમાં બે સંતાનો કાવ્યા અને ચેતસ આવવાથી એક નવી ઊર્જાનો સંચાર થયો છે. સંઘર્ષ અને સફળતાના મિશ્રણરૂપે સમાજની અંદર એક આગવું સ્થાન મેળવવાના હેતુથી કાર્યરત પૂર્વેશના જીવનમાં પત્ની અને બાળકો દ્વારા ખૂબ આનંદ અને ઉત્સાહનો સંચાર થયો છે. બાળકો પિતા સાથે ખૂબ સહજ રીતે હળીમળી ગયાં છે અને તેઓ પણ પિતાની શારીરિક મર્યાદાને અવગણી પોતાનું બાળપણ સહજ રીતે વીતાવી રહ્યાં છે.

આ રીતે ૧૯૮૧ થી શરૂ થયેલી જીવનયાત્રા ૪૫ વર્ષ સુધી પૂર્ણ થઈ છે, જેમાં સંઘર્ષ, પડકારો, સમસ્યાઓ અને એ બધાનું સમયની સાથે સાથે અથવા ક્યારેક સમય વીતી ગયા પછી પણ સફળ સમાધાન મળવાથી પૂર્વેશની જિંદગી આજે ખુશીઓથી ભરેલી છે. માતા – પિતા, બાળકો, પરિવાર, મિત્રો, સહકર્મચારીઓ, સંસ્થા અને સાહેબશ્રીના માર્ગદર્શનથી આજે એક વ્યક્તિ કે જે સંપૂર્ણ અંધકારમાં જીવન તરફ જઈ રહ્યો હતો, તેણે પોતાની જિંદગીને તો પ્રકાશથી ભરી દીધી છે, પણ પોતાના જીવનથી અનેક દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ પાથરવા માટે પ્રેરણા પૂરી પાડવા પૂરતી હોય તેવું ચોક્કસ કહી શકાય. આ સમગ્ર સફળ જીવન પાછળ કુદરતના અખૂટ આશીર્વાદ પણ જવાબદાર છે. શરૂઆતમાં નાસ્તિક હોવા છતાં જેમ જેમ જીવનની પ્રગતિ થતી ગઈ તેમ તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ પૂર્વેશનો રસ વધતો ગયો. તે પહેલાં જીવનને એક નકારાત્મક અભિગમથી જોતો હતો, જ્યારે જ્યારે સમસ્યાઓ નડે ત્યારે ત્યારે તે નસીબને દોષ દેતો હતો. પણ આધ્યાત્મિક જીવનમાં ઉત્થાન થયા પછી ગુરુઓના માર્ગદર્શનથી અને જાત અનુભવના આધારે જે કંઈ પણ બને છે તે કુદરતની ઈચ્છા અનુસાર બને છે, એવું સ્વીકારી જીવનના અનેક દ્વંદ્વોને સફળતાપૂર્વક દૂર કર્યા છે. આ માટે તે પોતાના આધ્યાત્મિક ગુરુઓને વંદન કરે છે. અંતમાં એટલું જરૂર કહી શકાય કે સફળતા હંમેશાં સાચી દિશા, સાચા પ્રયત્નો અને  કુદરતના આશીર્વાદથી જ મળે છે. વ્યક્તિ માત્ર કર્મની જવાબદારી લઈશકે, પણ તેનું કર્મ કેટલું, કેવું અને ક્યારે પરિપક્વ થશે એ કુદરતના હાથમાં છે. શૈક્ષણિક, વ્યવસાયિક, સાંસારિક અને સામાજિક ક્ષેત્રે સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ડૉ. પૂર્વેશ પંડ્યાની આ સફળ ગાથા અત્યારના અને આવનારા અનેક દિવ્યાંગ મિત્રો માટે પ્રેરણાદાયી બની રહેશે તેવી ચોક્કસ આશા છે. આ તબક્કે, તેમના જીવન ઘડતરમાં જે કોઈ મિત્રોએ તેમને જ્યારે જ્યારે પણ મદદ કરી છે, તેઓનો તેઓ આભાર માને છે અને

તેમનું ઋણ માથે ચડાવે છે, તેમજ તમામ વ્યક્તિઓને આ શુભપ્રસંગે વંદન કરે છે.

રાજેશ લિંબચીયા