વ્હાલા વિક્લાંગ શુભેચ્છક મિત્રો, વિક્લાંગ બંધુઓ, ભગીનિઓ,
શાખાની આ પાંચમી પ્રાસંગિક સ્મરણીકા આપના હાથમાં મૂકતા આનંદ થાય છે. વિકલાંગ પુનર્વસન ક્ષેત્રે આંશિક વિકલાંગ એવા અમને હિંમતનગરમાં બે દ્રષ્ટિહિન છતાં દીર્ઘ ષ્ટિવાળા મિત્રો મળ્યા, ભાઈ ભાસ્કર અને જયંતિ, તેમણે અમને સાબરકાંઠા જિલ્લામાં અંધજનો માટેના કામનો આરંભ કરવા અને તેમાં સહકાર આપવા જણાવ્યું.
વિસનગર,વિરમગામ,અમદાવાદ અને ભાવનગરની વિકલાંગ સંસ્થાઓની પ્રત્યક્ષ મુલાકાતથી આ કામ કરવાનો અમારો ઉત્સાહ વધ્યો. ત્યારથી આજદિન સુધી અમને આ કામમાં સતત સાંકળી રાખી અરે ! પાછુ જોવાની પળ પણ ન આપી, સંસ્થાના પ્રાણસમ ભાસ્કરભાઈએ જકડી રાખ્યા. કાર્યક્રમો માટે વૈજ્ઞાનિક કરકસર ભર્યો, લાભાર્થીલક્ષી, ઉપયોગી અભિગમ એ જ અમારી સંસ્થાની પ્રગતિની ચાવી છે, જિલ્લા બહારથી ભંડોળ અને અનુદાન ખેંચી લાવવામાં, કાર્યક્રમો લઈ આવવામાં હંમેશાં જાતની પણ દરકાર કર્યા વિના પરિવારને બાજુએ મૂકી તત્પર બની પ્રવૃત્ત રહેતા અને અમને પ્રવૃત્ત રાખતા પ્રા.ભાસ્કરની આ સંસ્થા માટેની કાર્યનિષ્ઠાને બિરદાવવા શબ્દો ખૂટી જાય છે. આ બંન્ને જણા ૧૦૫ નો આજનો કર્મચારી કાફ્લો સંતુષ્ટ વિકલાંગોના ચહેરા પરની આત્મનિર્ભરતા, જિલ્લામાં આવેલી વિકલાંગ પુનર્વસન જાગૃતિ જોઈ સંતોષ સાથે એમ કહેવાનું મન થાય “ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ”
શિવ–પાર્વતી જો સંસ્કૃતિના સર્જક છે તો આ સંસ્થાના વિકાસમાં પ્રા. ભાસ્કર મહેતા અને શ્રીમતી પ્રવીણા મહેતા શિવ-પાર્વતી સમાન છે,.અમે સૌ સેવકગણ વિકલાંગ સેવા માટે ધાર્યો સમય શક્તિ કે નાણાં આપી ન શકતા હોવા છતાં અમને યશ નો ટોપલો ઓઢાડનાર અને સંસ્થાને સતત વિકસતી – વિસ્તરતી અને પ્રવૃત્તિથી ધમધમતી રાખવાનું યજ્ઞકાર્ય કરતાં જ રહે છે.
૧૮ મી અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ સ્પર્ધા (સ્વ.ઉમાશંકર જોષી) ના શબ્દોમાં “અમનગર” માં આપ સૌને આવકારી આતિથ્ય માણવા સાથે પડતી તકલીફ દરગુજર કરવા વિનંતિ કરું છું. શ્રધ્ધા છે કે બંન્ને સંસ્થાઓના આ આયોજનથી તમને સૌને પાંચમી અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ સ્પર્ધા, હિંમતનગર કરતાં વધુ સંતોષ અને આનંદ મળ્યાં હશે.
સહકાર આપનાર સૌનો, સંસ્થાના બંધારણીય વડા તરીકે આભાર માનુ તો તે શિષ્ટાચાર કેવળ નથી પણ વણિકજન તરીકે ભવિષ્યમાં પ્રબળ સહકાર મેળવવાની ઈચ્છાય સાથે રાખુ છું. સંસ્થા શૂન્યમાંથી આજે એક વિશાળ વટવૃક્ષ બની, તેમાં આપ સૌ સક્રિય ભાગીદારોને અભિનંદી, ઉજજવળ ભવિષ્ય માટે પરમ પૂજય પરમાત્માને પ્રાર્થી, એક વડા તરીકે પ્રેમથી પ્રગતિને નિહાળતો રહું અને આપ સૌને પ્રવૃત્તિમાં જોતો રહું તેવી શુભ કામના...
લિ.
જયંતિલાલ જયચંદ શાહ
પ્રમુખશ્રી
રાષ્ટ્રીય અંધજન મંડળ સા.કાં. જિ.શાખા, ઈડર